અમદાવાદ: સુરતની કંપનીના માલિક દ્વારા બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરી ખોટી રીતે નિષ્ક્રિય બેંક ખાતામાં બંધ થયેલી ૩૬.૧૭ કરોડની જૂની નોટો બેંકમાં જમા કરાવાઈ હતી. આ કેસમાં સુરત સબ-ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ હાથ ધરતા પીડીએ કંપની અને તેના માલિક વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અમદાવાદની સ્પેશિયલ કોર્ટ સમક્ષ ગુનો દાખલ કર્યો છે.
સુરત સબ-ઝોનલ ઓફિસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સ્પે. કોર્ટમાં કરવામાં આવેલી ફરિયાદમાં આ કેસમાં મહર્ષિ સંજયભાઈ ચોક્કસ અને હિમાંશુ આર. શાહ અને અન્ય લોકો સાથે મળી નીરવ એન્ડ કંપનીના માલિક નિરવ આર. શાહના બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કરી તેમની જાણ બહાર નીરવ એન્ડ કંપનીના નામે છેતરપિંડીથી ખોલવામાં આવેલા નિષ્ક્રિય બેંક ખાતામાં ૩૬.૧૭ કરોડની બંધ થઈ ગયેલી નોટ જમા કરાવી હતી. તેવી જ રીતે મહર્ષિ સંજય અને સુનિલ રૂપાળીએ સુનીલ રૂપનાયની માલિકીની કંપની એસ.આર. ટ્રેડર્સના બેંક ખાતામાં ૨૪.૩૫ કરોડની બંધ થઈ ગયેલી નોટ જમા કરાવી હતી. આમ કુલ ૬૦.૫૨ કરોડની બંધ થઈ ગયેલી નોટો જમા કરાવી છે.
મહર્ષિ એસ. ચોક્કસ અને હેમાંશુ આર. શાહે નીરવ એન્ડ કંપની અને એસ. આર. ટ્રેડર્સના બેંક ખાતાઓમાં જમા કરાયેલા પીઓસીને તેમના દ્વારા કે.શાહ મગનલાલ ગુલાબચંદ ચોકસી, મહર્ષિ ટ્રેડર્સ, ડી. એન. ટ્રેડર્સના બેંક ખાતાઓમાં નિયત્રિત કર્યા છે, અને આખરે તેનો ઉપયોગ જુદા જુદા બુલિયન સપ્લાયર્સ પાસેથી સોનું/ચાંદી બુલિયન ખરીદવા અથવા વ્યક્તિગત જવાબદારીઓ ચૂકવવા માટે કર્યો છે. તપાસ દરમિયાન, મહર્ષિ એસ. ચોક્કસની રૂ. ૨.૬ કરોડની એક સ્થાવર મિલકત પણ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ ચાલુ છે.