અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જ્યારે એક નાના વિમાને ટેકનિકલ ખામી સર્જાતા વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો. આ લેન્ડિંગ વખતે વિમાન સીધું જ દોડતી કાર પર આવી પડ્યું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ. ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ બનતા લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. મળતી માહિતી મુજન આ ઘટના સોમવારે સાંજે બની હતી.
વિમાનમાં શું ખરી હતી?
માહિતી મુજબ Beechcraft 55 મોડલનું આ વિમાન બે યુવા પાયલોટ એક 27 વર્ષીય પાયલોટ અને તેનો હમઉમર સાથી ઉડાવી રહ્યા હતા. ફ્લોરિડા હાઇવે પેટ્રોલ (FHP)ના જણાવ્યા પ્રમાણે વિમાનના બંને એન્જિનમાં અચાનક પાવર લોસ થયો હતો. પાયલોટે તરત જ હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ ભારે ટ્રાફિક વચ્ચે વિમાનને સંતુલિત રાખવું મુશ્કેલ બન્યું અને વિમાન એક 2023 મોડલની ટોયોટા કેમરી કાર પર આવી અથડાયું હતું.
કારમાં બેસેલી મહિલા ડ્રાઇવરને ઇજા
ટોયોટા કેમરી ચલાવી રહેલી 57 વર્ષની મહિલાને હળવી ઇજા થઈ છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છતાં તેમની હાલત સ્થિર છે. જ્યારે સદનસીબે વિમાનમાં સવાર બંને પાયલોટને કોઈ ઇજા થઈ નહોતી. ઘટના સોમવારે સાંજે 5:45 વાગ્યે બની હતી. જ્યારે હાઇવે પર ભારે ટ્રાફિક જોવા મળતો હતો. અથડામણ બાદ વિમાન હાઇવે પર જ ઊભું રહી ગયું અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હાઇવે કલાકો સુધી બંધ રહ્યો
આ દુર્ઘટના પછી I-95 હાઇવેના દક્ષિણી લેનને તમામ રીતે બંધ કરી દેવું પડ્યું હતું. રાહતદળ અને તપાસ ટીમો તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને વિમાન તથા કારને હાઇવે પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતના કારણે હાઇવે ઘણા કલાકો સુધી બંધ રહ્યો અને સવારે લગભગ 9 વાગ્યે ફરીથી ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે આ જ દિવસે ફ્લોરિડાના DeLand વિસ્તારમાં એક બીજા નાના વિમાન Cessna 172એ પણ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. જેમાં બે લોકો ઘાયલ થયા હતા.
અધિકારીઓે જણાવ્યું છે કે વિમાનમાં આવેલી ટેકનિકલ ખામી, ઇમરજન્સી લેન્ડિંગની પ્રક્રિયા અને અથડામણની સંપૂર્ણ તપાસ ચાલુ છે. હાલ અકસ્માત સ્થળની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે અને હાઇવે પર ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે.