National

“હું બંગાળનો ઓવૈસી છું… ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ” હુમાયુ કબીરનો મમતા બેનર્જીને ખુલ્લો પડકાર

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો રાજકીય બોમ્બ ફૂટ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે હવે સીધો મમતા બેનર્જીને પડકાર ફેકયો છે. કબીરે જાહેર કર્યું છે કે તેઓ આ મહિનાના અંત સુધીમાં પોતાની નવી રાજકીય પાર્ટી બનાવી બંગાળની ચૂંટણીમાં ગેમ ચેન્જર તરીકે સાબિત થશે. જોકે સૌથી વધુ ચર્ચિત તેનું એક નિવેદન રહ્યું છે જેમાં તેમણે કહ્યું “ઓવૈસીએ મને કહ્યું કે તે હૈદરાબાદનો ઓવૈસી છે અને હું બંગાળનો ઓવૈસી છું.”

ઓવૈસી સાથેની વાતચીત અને નવી પાર્ટીનું એલાન
કબીરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે તેમની AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સાથે ચર્ચા થઈ છે. તેઓએ કહ્યું કે
“મેં ઓવૈસી સાહેબ સાથે વાત કરી. તેમણે મને કહ્યું કે તે હૈદરાબાદનો ઓવૈસી છે અને હું બંગાળનો ઓવૈસી છું. હું 10 ડિસેમ્બરે કોલકાતા જાઉં છું અને 12 ડિસેમ્બરે લાખો સમર્થકો સાથે મારી નવી પાર્ટી લોન્ચ કરીશ.”


કબીરે વધુમાં કહ્યું કે પાર્ટીની પ્રથમ સમિતિ પણ 10 ડિસેમ્બરે જ બનાવી દેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓનો હેતુ તૃણમૂલના મુસ્લિમ વોટબેંકને તોડવાનો નથી પણ “મુસ્લિમોના હક માટે લડતી નવી રાજકીય શક્તિ ઉભી કરવાનો” છે.

“હું 135 બેઠકો પર લડીશ અને હું જ ગેમ ચેન્જર બનીશ”
પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ મતદાર 27% જેટલા છે. જેમાં મોટો ભાગ અત્યાર સુધી તૃણમૂલ કોંગ્રેસને મળતો રહ્યો છે પરંતુ કબીરના નિવેદનથી હવે રાજકીય સંજોગો બદલવાની સંભાવના ઊભી થઈ છે.

કબીરે જણાવ્યું કે “હું 135 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખીશ. હું બંગાળની ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ…”

બાબરી મસ્જિદની પ્રતિકૃતિ બાદ સસ્પેન્શન
હુમાયુ કબીરને તાજેતરમાં મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકતા તૃણમૂલ કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા હતા.

AIMIM તરફથી મૌન
કબીરે દાવો કર્યો છે કે AIMIM સાથે તેઓ સતત સંપર્કમાં છે અને સાથે મળીને ચૂંટણી પણ લડશે. જોકે AIMIM અથવા અસદુદ્દીન ઓવૈસી તરફથી હજી સુધી કબીરના દાવાઓ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

પશ્ચિમ બંગાળની 2026 ચૂંટણી પહેલા હુમાયુ કબીરની એન્ટ્રી અને “હું બંગાળનો ઓવૈસી છું”વાળી ટિપ્પણી રાજકીય ચર્ચાઓમાં સૌથી મોટું કેન્દ્ર બની ગઈ છે.

Most Popular

To Top