Vadodara

વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ

વોર્ડ 6માં મામલો ગરમાયો, વી.એમ.સી. સામે વિરોધનું રણશિંગુ

ચાર વખત ચાલતા વોર્ડ ઓફિસના ધક્કા ખાવા પોસાય તેમ નથી; જૂની સિસ્ટમ ચાલુ કરવાની માંગ

​”સવારે બાળકોને સ્કૂલે મૂકવા જવું કે હાજરી પૂરવા?” સફાઈ કામદારોનો આક્રોશ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈકર્મીઓ માટે ફરજિયાત કરવામાં આવેલી ઓનલાઈન હાજરી પૂરવાની સિસ્ટમ સામે વોર્ડ નંબર 6ના સફાઈ કામદારોએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ કામદારોએ વોર્ડ ઓફિસની મુલાકાત લઈ લેખિતમાં રજૂઆત કરી હતી કે દિવસમાં ચાર વખત ઓનલાઈન હાજરી પૂરવાની નવી પદ્ધતિથી તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેમનું અંગત અને પારિવારિક જીવન ખોરવાઈ ગયું છે.
સફાઈ કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આ સમયપત્રક પારિવારિક જવાબદારીઓ સાથે મેળ બેસાડવો અશક્ય છે. એક કામદારે જણાવ્યું હતું કે, “સવારે બાળકોને સ્કૂલે મૂકવા જવાનો સમય અને પ્રથમ ઓનલાઈન હાજરી પૂરવાનો સમય એક જ હોય છે. જો અમે હાજરી પૂરવા આવીએ તો બાળકોની સ્કૂલ બગડે છે અને તેમનું ભણતર પણ બગડે છે.”
વધુમાં, તેમણે કહ્યું કે બપોરના સમયે બે વખત હાજરી પૂરવા માટે ઘરેથી કામ છોડીને આવવું પડે છે. “બપોરે જમવાનું બનાવવું કે હાજરી પૂરવા જવું તે સમજાતું નથી. ઘરથી ચાલતા વોર્ડ ઓફિસ પર આવી હાજરી પુરાવી અને પાછા ચાલતા ઘરે જઈએ તો થાકી જવાય છે. ચાર વખત આ રીતે હાજરી પૂરવાનો બોજ અમને પોસાય તેમ નથી.”
સફાઈ કામદારોએ તેમના વોર્ડ ઓફિસરને સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી હતી કે પહેલાની જેમ દિવસમાં માત્ર બે વખત જ ઓનલાઈન હાજરીની વ્યવસ્થા લાગુ કરવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો તેમની આ માગણી માનવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને આગામી સમયમાં ધરણા જેવા કાર્યક્રમો પણ આપશે.
​સફાઈકર્મીઓના આ વિરોધને પગલે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ મામલે શું પગલાં લે છે અને આ ઓનલાઈન હાજરી પ્રણાલીમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ, તે જોવું રહ્યું.

દિવસમાં ચાર વખત હાજરી પૂરવાનો બોજ…
​સફાઈકર્મીઓના જણાવ્યા મુજબ, પહેલાના દિવસોમાં માત્ર બે વખત જ ઓનલાઈન હાજરી પૂરવાની રહેતી હતી, જે વ્યવહારુ હતી. જોકે, વોર્ડ નંબર 6માં હવે દિવસ દરમિયાન ચાર વખત ઓનલાઈન હાજરી પૂરવા માટે ફરજિયાત આવવું પડે છે.
​કામદારોએ હાજરીનો નવો સમયપત્રક વિગતે જણાવતા કહ્યું હતું કે:
​પ્રથમ હાજરી: સવારે 6:30 થી 6:45 વાગ્યે.
​બીજી હાજરી: સવારે 11:30 થી 12:00 વાગ્યે.
​ત્રીજી હાજરી: બપોરે 2:00 વાગ્યે.
​ચોથી હાજરી: સાંજે 5:00 વાગ્યે.

Most Popular

To Top