વડોદરા:
વડોદરા મહાનગરપાલિકાના મુખ્યાલય ખાતે બુધવાર, તા. 17-12-2028ના રોજ સાંજે 5:00 કલાકે મનપાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં શહેરના માળખાગત વિકાસ, શિક્ષણ અને વહીવટી સુધારાને લગતા અનેક અગત્યના કામોને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે.
સામાન્ય સભામાં રજૂ થનારી મુખ્ય દરખાસ્તોમાં, યુવા પેઢીમાં વિજ્ઞાન અને જ્ઞાન પ્રત્યે રસ જગાવવાના ઉદ્દેશથી એક નવું ‘ખોજ મ્યુઝિયમ’ સ્થાપવાનો પ્રસ્તાવ સામેલ છે. આ મ્યુઝિયમ સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટોરિયમના ગ્રાઉન્ડ ફ્લોર પર વિકસાવવામાં આવશે. આ માટે મનપા, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ઓથોરિટી સાથે સમજૂતી કરાર (M.O.U.) કરવા માટે કમિશનરને સત્તા સોંપવાની દરખાસ્ત મૂકાશે.
આ મ્યુઝિયમમાં પ્રવેશ માટે પુખ્ત વયના લોકો માટે ₹70/- અને બાળકો માટે ₹50/- જેવા દરો રાખવાનું સૂચન કરાયું છે. આવક વહેંચણીની પ્રણાલી પણ નક્કી કરાઈ છે, જે મુજબ પ્રથમ વર્ષે મહાનગરપાલિકાને 30% અને GCSRAને 70% આવક ફાળવવામાં આવશે.
શહેરી ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને નાગરિકોની સુવિધા વધારવાના ભાગરૂપે, મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તૂટેલા રસ્તાઓ પર પેવર બ્લોકવાળી નવી ફૂટપાથ બનાવવા તેમજ નવી ફૂટપાથના બાંધકામ માટેની દરખાસ્ત પણ રજૂ થશે. આ માળખાગત સુધારાના કામો માટે મ્યુનિસિપલ કમિશનરએ ભલામણ કરેલ ₹25,28,38,985 ની માતબર રકમ મંજૂર કરવા માટે સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે, જેનો ખર્ચ 2024-2025ના અનામત અંદાજપત્રની જોગવાઈઓ હેઠળ કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પગલું ભરતા, ટી.પી. સ્કીમ નં.24માં નવી પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા સ્થાપવા માટે જમીન ફાળવવા અને શાળાના બાંધકામ માટે ₹2,52,08,948/-ની રકમની મંજૂરી લેવા માટેની દરખાસ્ત પણ સભામાં રજૂ થશે. આ ઉપરાંત, વહીવટી સ્તરે, આરોગ્ય વિભાગમાં કાર્યરત ડ્રાઇવીંગ હેલ્થ વર્કર અને ફૂટ જમાદાર જેવા કર્મચારીઓને ઉચ્ચ વર્ગ-03ના પદો પર બઢતી આપવાની નીતિને મંજૂરી આપવા માટે પણ દરખાસ્ત રજૂ કરાશે.
સામાન્ય સભામાં રજૂ થનાર આ તમામ મહત્વના કામો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે. શહેરના વિકાસ માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.