વહેલી સવારે ચોરીની ઘટના; CCTV ફૂટેજમાં ગઠિયો કેદ: માંજલપુર પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
વડોદરા: શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે, જ્યારે મકરપુરા જીઆઇડીસી રોડ પર આવેલી એક વાસણની દુકાનને ગઠિયાઓએ નિશાન બનાવી હતી. વહેલી સવારે થયેલી આ સનસનાટીભરી ચોરીની ઘટનામાં દુકાનમાંથી રૂ. 65000ની માતબર રોકડ રકમ અને આશરે 10 તોલા સોનાના ઘરેણાંની ચોરી થતાં દુકાન સંચાલકને મોટું નુકસાન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મકરપુરા જીઆઇડીસી રોડ પર આવેલી વાસણની દુકાનમાં તારીખ 05-12-2025ના રોજ વહેલી સવારે ચોરી થઈ હતી. દુકાન સંચાલક પ્રસંગ ને લઈ બે દિવસ બહાર ગામ ગયા હતા જેથી વેપારી પોતાનું સોનું અને રોકડ રકમ દુકાન માં મૂકી ગયા હતા જ્યારે બહારગામ થી આવ્યા ત્યારે વેપારીએ પોતાની દુકાન ન તાળા તૂટેલા જોયા હતા ત્યાર બાદ દુકાન માં જઈ ને જોયું ત્યારે પોતાના દાગીના તેમજ રોકડ રકમ ચોરી થયાની જાણ થતાં તેમણે તાત્કાલિક માંજલપુર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ચોરીની સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસને અપાયેલી ફરિયાદ મુજબ, અંદાજિત 65000 રૂપિયા રોકડા અને દસ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ છે, જેની બજાર કિંમત લાખોમાં થાય છે.
ચોરીની ઘટના બાદ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં ચોરી કરનાર વ્યક્તિ સ્પષ્ટપણે નજરે પડ્યા છે. આ ફૂટેજમાં ચોર કઈ રીતે દુકાનમાં પ્રવેશ્યા અને ચોરીને અંજામ આપ્યો તે સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. આ સીસીટીવી ફૂટેજ હવે માંજલપુર પોલીસ માટે તપાસનો મુખ્ય આધાર બન્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ચોરીમાં કોઈ સ્થાનિક વ્યક્તિ કે પછી ચોરી કરવાની ખાસ પદ્ધતિ ધરાવતી ગેંગ સંડોવાયેલી છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
શહેરમાં વધી રહેલા ચોરીના બનાવોને કારણે નાના વેપારીઓ અને દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાયો છે. વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને રાત્રીના સમયે સઘન ચેકિંગ હાથ ધરવાની માંગ કરી છે.