10 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે ફોર્મ ઓનલાઈન સબમીટ કરી શકાશે:
અંતિમ દિવસે કેટલાક વિદ્યાર્થી ફોર્મ ભરવાનું બાકી રહી ગયા હોવાની શક્યતાને લઈ મુદત વધારવાનો નિર્ણય લેવાયો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10, 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારી છે. અગાઉના કાર્યક્રમ મુજબ 6 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા હતી. પરંતુ હવે મુદતમાં વધારો કરી 10 ડિસેમ્બર કરવામાં આવી છે. 11 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે.
ગુજરાત શિક્ષણ બોર્ડના ધો.10, ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સની ફેબ્રુઆરીમાં લેવાનારી જાહેર પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં 6 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓના ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા હતી. જોકે, હવે ફોર્મ ભરવાના અંતિમ દિવસે હજુ અમુક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાનું બાકી રહી ગયા હોવાની શક્યતાના પગલે ફોર્મ ભરવાની મુદત વધારવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણ બોર્ડે ધો.10, 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે 10 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવી છે. આ મુદત પૂર્ણ થયા બાદ બોર્ડ લેટ ફી સાથે ફોર્મ સ્વીકારશે. જેમાં 11થી 22 ડિસેમ્બર સુધી ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. પ્રથમ તબક્કામાં 11થી 14 ડિસેમ્બર સુધી રૂ. 250 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. બીજા તબક્કામાં 15થી 18 ડિસેમ્બર સુધી રૂ. 300 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે, ત્રીજા તબક્કામાં 19થી 22 ડિસેમ્બર સુધી રૂ. 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. શિક્ષણ બોર્ડે 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની જાહેરાત કરી છે, તે સાથે કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કોઇ અલગથી ફી ભરવાની રહેશે નહીં. વિદ્યાર્થીઓનું પ્રિન્સિપાલ એપ્રૂવલ બાકી હોય તો તે પણ 22 ડિસેમ્બર સુધી કરી શકાશે. વિદ્યાર્થિનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ લેટ ફીમાંથી કોઇપણ વિદ્યાર્થીને મુક્તિ આપવામાં આવી નથી.