National

છત્તીસગઢ: 1 કરોડનું ઈનામ ધરાવતો કુખ્યાત નક્સલી અને 11 સાથીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના બકરકટ્ટામાં આજે 8 ડિસેમ્બરે મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી કમાન્ડર રામધર મજ્જીએ તેના 11 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. રામધર મજ્જી નક્સલવાદના સૌથી મોટા નામોમાંનું એક માનવામાં આવે છે અને તેને નક્સલવાદનો સૌથી ખતરનાક કમાન્ડર ગણાતો હતો. તેના પર સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. આ આત્મસમર્પણ બાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો ઝોન અધિકૃત રીતે નક્સલમુક્ત જાહેર થયો છે.

ઉચ્ચ રેન્કના નક્સલીઓનું આત્મસમર્પણ
આત્મસમર્પણ કરનારાઓમાં રામધર મજ્જી સાથે ત્રણ ડિવિઝનલ વાઇસ કમાન્ડર, એરિયા કમિટી મેમ્બર્સ અને અન્ય મુખ્ય કાર્યકરોનો સમાવેશ થાય છે. તેમની પાસેથી AK-47, INSAS અને SLR જેવી ઘાતક રાઇફલ્સ જપ્ત થઈ છે.

અહેવાલો મુજબ રામધર મજ્જી ઉત્તર બસ્તર ડિવિઝનમાં સક્રિય હતો. તેણે ખૈરાગઢના કુમ્હી ગામે બરકટ્ટા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ આપવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે DVCM રેન્કના ચંદુ ઉસેન્ડી, લલિતા, જાનકી, પ્રેમ, તેમજ ACM રેન્કના રામસિંહ દાદા અને સુકેશ પોટ્ટમે પણ હાજર હતા. સાથે જ કેટલીક મહિલા સભ્યો સહિત કુલ 12 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું.

પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે જેથી નક્સલ નેટવર્ક, છુપાયેલા કેમ્પ્સ અને તેમની અંદરની કામગીરી અંગે વધુ માહિતી મળી શકે.

કેન્દ્ર સરકારનો લક્ષ્ય: 31 માર્ચ 2026 સુધી નક્સલવાદનો અંત
કેન્દ્ર સરકારે નક્સલવાદને પૂર્ણ રીતે નાબૂદ કરવા માટે 31 માર્ચ 2026ની સમયમર્યાદા નક્કી કરી છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ છેલ્લા મહિનાઓમાં ઓપરેશન વધુ કડક બનાવ્યા છે.

તાજેતરમાં 3 ડિસેમ્બરના રોજ બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 18 નક્સલીઓ માર્યા ગયા. જ્યારે DRGના ત્રણ સૈનિકો શહીદ થયા હતા. બે અધિકારીઓ ઘાયલ થયા હતા.

આ વર્ષે 281 નક્સલીઓ ઢેર
અધિકારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે અત્યાર સુધી છત્તીસગઢમાં 281 નક્સલીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

  • 252 બસ્તર ક્ષેત્રમાં,
  • 27 ગારિયાબંદ જિલ્લામાં

જ્યારે 2 મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લામાં માર્યા ગયા છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધીની હિંસામાં 23 સુરક્ષા કર્મચારીઓએ પણ પ્રાણ ગુમાવ્યા છે.

Most Popular

To Top