Vadodara

વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!

સમસ્યાઓનું નિરાકરણ હવે આંગળીના ટેરવે: VMC એ જાહેર કર્યો 24 કલાકનો ટોલ-ફ્રી અને વોટ્સએપ નંબર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા અને તેમની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે એક અગત્યની પહેલ કરવામાં આવી છે. નાગરિકોને હવે પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઈટ, અને સાફ-સફાઈ જેવી તમામ પ્રકારની સમસ્યાઓ માટે મ્યુનિસિપલ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. VMC દ્વારા આ સમસ્યાઓ નોંધાવવા માટે એક ૨૪ કલાક કાર્યરત ટોલ-ફ્રી નંબર અને ફરિયાદના મેસેજ મોકલવા માટે એક વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
શહેરીજનોને કોઈપણ પ્રકારની જાહેર સુવિધા સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે તો તેમણે વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર 1800 233 0265 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
આ ટોલ-ફ્રી નંબર 24 કલાક કાર્યરત હોય છે, જેથી નાગરિકો દિવસ કે રાત કોઈપણ સમયે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કોલ સેન્ટર પર ફોન કરવાથી નાગરિકોને તેમની ફરિયાદનો એક કમ્પ્લેઇન નંબર જનરેટ થશે.
મહાનગરપાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આ કમ્પ્લેઇન નંબરના આધારે ફરિયાદનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે, જેવી ફરિયાદ સોલ્વ થશે અને કામગીરી પૂર્ણ થશે, નાગરિકોને તેની જાણ કરતો મેસેજ પણ મોકલવામાં આવશે.
ફક્ત ફરિયાદના મેસેજ માટે મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સએપ નંબર 99131 66666 પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ નંબર ખાસ કરીને એવા નાગરિકો માટે ઉપયોગી છે જેઓ પોતાની ફરિયાદ સાથે સ્થળનો ફોટોગ્રાફ મોકલાવવા માંગતા હોય. રોડ તૂટ્યો હોય, સ્ટ્રીટલાઈટ બંધ હોય, કે પાણીનું લીકેજ હોય, આવી દ્રશ્યમાન સમસ્યાઓની ફરિયાદ તસવીર સાથે આ વોટ્સએપ નંબર પર નોંધાવી શકાય છે.
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે, તેમણે પોતાની ફરિયાદ નોંધાવવા માટે હવે વોર્ડ કચેરી, પાલિકાની વડી કચેરી કે પાલિકાના કર્મચારીઓને સીધા ફોન કરીને પોતાનો કિંમતી સમય વ્યર્થ કરવાની જરૂર નથી. ટોલ-ફ્રી નંબર અને વોટ્સએપ નંબર મારફતે નોંધાવવામાં આવેલી ફરિયાદ યોગ્ય જગ્યાએ પહોંચશે અને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આ વ્યવસ્થાથી નાગરિકોને વારંવાર કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને તેમના સમયનો બચાવ થશે. નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અને ઝડપી સેવા મેળવવા વિનંતી કરવામાં આવી છે.

Most Popular

To Top