ઓડિટ-PRO કોલ્ડ વોર મુદ્દે GAD તપાસના આદેશ: “કોઈપણ ગેરવ્યવસ્થા સહન નહીં થાય”ની કમિશ્નરની ખાતરી બાદ કર્મીઓ ફરજ પર પરત
વડોદરા મહાનગર પાલિકા ની કચેરીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંતરિક વિખવાદે ગુરુવારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રાહિત વ્યક્તિઓની કનડગત અને ત્રાસથી હેરાન પરેશાન થયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક વિરોધ દર્શાવતા માસ સીએલ પર ઉતરી ગયા હતા. આ અણધાર્યા પગલાને કારણે શુક્રવારે મહાનગર પાલિકાની કચેરીઓ સુમસામ જણાઈ હતી, મોટાભાગની ઓફિસોમાં વહીવટી કામકાજ રોકાઈ ગયું હતું અને કચેરીઓમાં અંધારપટ છવાયો હતો.
કર્મચારીઓએ માસ સીએલ માટે આપેલા આવેદનમાં ખાસ કરીને ઓડિટ વિભાગ અને પીઆરઓ શાખા વચ્ચેના આંતરિક મતભેદોનો ઉલ્લેખ થતાં મામલો વધુ વણસ્યો હતો. આ વિવાદમાં પીઆરઓ વિભાગના જીગ્નેશ ગોહિલનું નામ પણ સામે આવતા બંને વિભાગો વચ્ચેનો કોલ્ડ વોર જાહેરમાં આવ્યો હતો.
કર્મચારીઓની અરજીમાં પીઆરઓ વિભાગ સાથેના મતભેદો સપાટી પર આયા હતા, વહીવટી તંત્રના વિવિધ વિભાગો વચ્ચે સર્જાતા મતભેદો વહીવટમાં વિક્ષેપ પેદા કરી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.
શનિવારે કમિશ્નરની તાત્કાલિક દખલગીરી અને તપાસના આદેશ બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. કમિશ્નરની ખાતરી બાદ અધિકારીઓએ પોતપોતાની ફરજ પર હાજરી આપી દીધી છે, જેથી વહીવટી કામગીરી ફરી સામાન્ય બની હતી અને તણાવપૂર્ણ વાતાવરણમાં થોડું શાંત બન્યું હતું. જોકે, જીએડી તપાસના અંતે કયા તથ્યો સામે આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

વહીવટી કામગીરી પર અસર ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુએ શનિવારે તાત્કાલિક બેઠક બોલાવી હતી. તેમણે સમગ્ર ઘટનાને ગંભીરતા પૂર્વક લઈ તાત્કાલિક પગલાં લીધા હતા.કમિશ્નરે સ્પષ્ટતા કરી:
”કોઈપણ પ્રકારની ગેરવ્યવસ્થા સહન નહીં થાય. તમામ વિભાગો વચ્ચે સુમેળ રહે તે માટે જરૂરી પગલાં લેવાશે. અમે ખાતરી આપીએ છીએ કે આ સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં લાવવામાં આવશે.”
તેમણે સમગ્ર મામલાની ગૂવરમેન્ટ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવાના આદેશો પણ આપ્યા હતા.

– સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન:
ઓડિટ અને પીઆરઓ શાખા વચ્ચે ચાલી રહેલા અણબનાવ પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ”બંને વિભાગો મહાનગર પાલિકાની મહત્વની કડી છે. અમે આંતરિક મતભેદો ઉકેલવા માટે વહીવટી સ્તરે ચર્ચા કરીશું. હાલ અમારી પ્રાથમિકતા એ છે કે આ વિખવાદના કારણે મહાનગર પાલિકાના કામકાજ પર કોઈ અસર ન પડે.”
:- પાલિકાના ચીફ ઓડિટર હરિકૃષ્ણ રાવે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું ”અધિકારીઓએ આવેદનમાં ઓડિટ વિભાગનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી નવો વિવાદ શરૂ થયો છે. વહીવટી તંત્રના નિયમો અને પારદર્શિતા જાળવવાની અમારી ફરજ છે અને અમે તે નિભાવતા રહીશું. આંતરિક મતભેદો દૂર કરવા માટે અમે વહીવટી સ્તરે સંપૂર્ણ સહયોગ આપીશું.”
