ઇન્ડિગો એરલાઇનમાં ચાલી રહેલી ભારે ગડબડ અને સતત વિલંબને કારણે સામાન્ય મુસાફરો ઉપરાંત સેલિબ્રિટીઓ પણ નારાજ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર અનેક સ્ટાર્સે ઇન્ડિગો પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જેમાંથી સોનુ સૂદનો મેસેજ સૌથી વધુ ચર્ચામાં રહ્યો.
“સ્ટાફને દોષ ના આપો, તેઓ પણ ભોગ બની રહ્યા છે”: સોનુ સૂદ
તાજેતરમાં છેલ્લા પાંચ દિવસથી ઇન્ડિગો એરલાઇનમાં ચાલી રહેલી ભારે ગડબડ અને સતત વિલંબને કારણે સામાન્ય મુસાફરો અને સેલિબ્રિટીઓ પણ ગુસ્સે થઈ ગયા છે. આ વચ્ચે અભિનેતા સોનુ સૂદે વિડિયો શેર કર્યો છે. જેમાં તેમણે મુસાફરોને શાંતિ રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ફ્લાઇટ મોડી પડે ત્યારે નિરાશા થવી સ્વાભાવિક છે પરંતુ એ લોકો યાદ રાખો જે રાતદિવસ મહેનત કરીને પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સોનુએ કહ્યું કે “કૃપા કરીને ઇન્ડિગો સ્ટાફ પ્રત્યે દયાળુ અને નમ્ર બનો. તેઓ પણ આ રદ અને ગડબડનો ભોગ બની રહ્યા છે. ચાલો તેમને સપોર્ટ કરીએ.” સોનુ સૂદનો આ માનવીય સંદેશ સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થયો હતો.
બીજા સેલિબ્રિટીઓની નારાજગી
ઇન્ડિગોની અસ્થિર સેવાઓથી અન્ય જાણીતા ચહેરાઓ પણ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
- જય ભાનુશાલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લાંબા વિલંબ વિશે લખ્યું અને તીખી ટિપ્પણી કરી.
- અલી ગોનીએ વિડિયો શેર કરીને કહ્યું કે ગ્રાઉન્ડ સ્ટાફ પર ગુસ્સો કરવો યોગ્ય નથી, કારણ કે સમસ્યા તેમના હાથમાં નથી.
- રાહુલ વૈદ્ય અને અન્ય કલાકારોએ પણ ફ્લાઇટ મેનેજમેન્ટ પર પ્રશ્ન ઉઠાવ્યા.
- નિયા શર્માએ લખ્યું કે આજે એરપોર્ટ્સ પર સંપૂર્ણ અસ્તવ્યસ્ત પરિસ્થિતિ છે અને મુસાફરોને ખબર નથી કે તેઓ પહોંચશે કે નહીં.
- તેલુગુ અભિનેતા વિજયા કૃષ્ણ નરેશએ કહ્યું કે એરપોર્ટ પર મુસાફરો અને સ્ટાફ વચ્ચે ખરાબ સંઘર્ષ જોવા મળ્યો.
ઇન્ડિગોનો સ્વીકાર
એરલાઇનએ સ્વીકાર્યું છે કે તાજેતરના નવા ડ્યુટી નિયમો હેઠળ ક્રૂ જરૂરીયાતોની ખોટી ગણતરી થઈ હતી. જેના કારણે મોટા પાયે ફ્લાઇટ્સો વિલંબ અને રદ થઈ છે. ઇન્ડિગોએ આગાહી કરી છે કે આગામી બે-ત્રણ દિવસમાં પણ રદ થવાનું ચાલુ રહી શકે છે.