National

ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડશે

દેશભરમાં ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ અને વિલંબ થતાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હજારો મુસાફરોને છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થતા એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. ખાસ કરીને અમદાવાદ–દિલ્હી રૂટ પર ખૂબ જ અસર જોવા મળી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે મુસાફરોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે કે સાબરમતીથી દિલ્હી જંકશન વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રનો ટ્રેન ઓન ડિમાન્ડ (TOD) યોજના હેઠળ ચલાવવામાં આવશે. જેથી તરત જ વધેલી મુસાફરોની માંગ પૂરી થઈ શકે.

ખાસ ટ્રેનના સમયપત્રક
ટ્રેન નંબર 09497 – સાબરમતીથી દિલ્હી સ્પેશ્યલ

  • 7 અને 9 ડિસેમ્બર 2025
  • રાત્રે 22:55 કલાકે સાબરમતી થી પ્રસ્થાન
  • બીજા દિવસે 15:15 કલાકે દિલ્હી જંકશન પહોંચશે

ટ્રેન નંબર 09498 – દિલ્હી થી સાબરમતી સ્પેશ્યલ

  • 8 અને 10 ડિસેમ્બર 2025
  • રાત્રે 21:00 વાગ્યે દિલ્હી જંકશન થી પ્રસ્થાન
  • બીજા દિવસે 12:20 વાગ્યે સાબરમતી પહોંચશે

બંને દિશામાં ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ પર રોકાણ કરશે. ટ્રેનમાં AC 3-ટિયર કોચ લાગશે. કુલ 925 કિમીનું અંતર કાપશે. સાબરમતીથી દિલ્હી સમય 16.20 કલાક અને દિલ્હીથી સાબરમતી 15.20 કલાકનો રહેશે.

ટિકિટ બુકિંગ 6 ડિસેમ્બરથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલ્લું છે.

દેશભરમાં 116 વધારાના કોચ ઉમેર્યા
ફ્લાઇટ્સ રદ થતા રેલવે પર દબાણ વધી ગયું છે. તેને ધ્યાનમાં રાખીને રેલવેએ 37 પ્રીમિયમ ટ્રેનોમાં કુલ 116 વધારાના કોચ ઉમેર્યા છે. જેનાથી મુસાફરોને વધુ બેઠકો મળશે.

  • દક્ષિણ રેલવે– 18 ટ્રેનોમાં સૌથી વધુ કોચ ઉમેરાયા
  • ઉત્તર રેલવે– 8 ટ્રેનોમાં 3AC અને ચેર કાર કોચનો વધારો
  • પશ્ચિમ રેલવે– 4 ટ્રેનોમાં વધારાની ક્ષમતા

આ બધું 6 ડિસેમ્બરથી અમલમાં આવ્યું છે.

વધારાની સ્પેશિયલ ટ્રેનો

  • ગોરખપુર–આનંદ વિહાર સ્પેશ્યલ (4 ટ્રિપ, 7 થી 9 ડિસેમ્બર)
  • ન્યૂ દિલ્હી–જમ્મુ વંદે ભારત સ્પેશ્યલ (6 ડિસેમ્બર)
  • ન્યૂ દિલ્હી–મુંબઈ સુપરફાસ્ટ સ્પેશ્યલ (6 અને 7 ડિસેમ્બર)
  • નિઝામુદ્દીન–તિરુવનંતપુરમ સુપરફાસ્ટ (6 ડિસેમ્બર, એકમાર્ગી)

આ નિર્ણયથી ફ્લાઇટ્સ રદ થવાથી મુશ્કેલીમાં આવેલા મુસાફરોને સેફ, વિશ્વસનીય અને સમયસર વિકલ્પ મળી શકશે.

Most Popular

To Top