Vadodara

જાંબુઘોડાના કણજીપાણીમાં ૨૦૦૦ લગ્ન નોંધણી કરી ૫૦ લાખ કમાનાર તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ

લગ્ન નોંધણીના કૌભાંડમાં વિવાદમાં આવેલા કણજીપાણીના તલાટી અર્જુન મેઘવાલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા

ગોધરા:;પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાનું અંતરિયાળ કણજીપાણી ગામ હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાના ચકડોળે ચઢ્યું છે. અહીં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો એક વિવાદાસ્પદ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું, જેને પગલે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી તલાટીને ફરજ પરથી મોકૂફ કરી દેવાનો આદેશ કર્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ચોંકાવનારા વિડીયોમાં તલાટી અર્જુન મેઘવાલ ખુલ્લેઆમ સ્વીકારતા નજરે પડ્યા હતા કે તેમણે માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં ૨૦૦૦ જેટલા લગ્નની નોંધણી કરી છે. આ વિડીયોમાં તેઓ એવો દાવો કરતા સંભળાયા હતા કે તેઓ એક લગ્ન નોંધણી દીઠ ૨૫૦૦ રૂપિયા વસૂલતા હતા અને આ પ્રકારે તેમણે કુલ ૫૦ લાખ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. એટલું જ નહીં આ ગેરકાયદેસર કમાણીમાંથી તેમણે રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની બડાશ પણ આ વિડીયોમાં મારી હતી.

આ સમગ્ર પ્રકરણ ત્યારે વધુ ગંભીર બન્યું જ્યારે સરદાર પટેલ ગ્રુપ (SPG) ના અધ્યક્ષ લાલજી પટેલે મીડિયા સમક્ષ આવીને આ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. લાલજી પટેલે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાંથી યુવક-યુવતીઓ ભાગીને લગ્ન કરવા માટે ખાસ પંચમહાલના આ કણજીપાણી ગામે આવે છે. તેમના આક્ષેપ મુજબ, અહીંના તલાટી દ્વારા નિયમો નેવે મૂકીને અને પૈસા લઈને આડેધડ ખોટી રીતે લગ્ન નોંધણી કરી આપવામાં આવતી હતી, જેને કારણે સામાજિક પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.

મીડિયા અહેવાલો અને તલાટીની કબૂલાતવાળા વાયરલ વિડીયોને અત્યંત ગંભીરતાથી લઈ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ તલાટી અર્જુન મેઘવાલની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર જણાતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાએ પંચમહાલ જિલ્લાના વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

Most Popular

To Top