Vadodara

સોમાતળાવ પાસે રિક્ષાચાલકને નડ્યો અકસ્માત : ઢોરનું મોત

રિક્ષામાં મોટું નુકસાન,ચાલક ઈજાગ્રસ્ત

વિસ્તારના લોકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી

( પ્રતિનિધિ )વડોદરા,તા.5

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા રોજે રોજ ઢોર પકડવાની કામગીરી થાય છે, છતાંય અકસ્માતોની ઘટનાઓ યથાવત છે.જ્યાં ગૌપાલકની બેદરકારીના કારણે એક મૂંગા જાનવર એટલે કે ઢોરનું મૃત્યુ નિપજ્યું હતું.

વડોદરા શહેરના સોમા તળાવ તરફના માર્ગ પર કાના હાઇટ્સ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો. એટલામાં ડિવાઈડર કૂદી અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઇ છે. સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર નહતો, નહીંતર મોટી જાનહાની થવાની શક્યતા હતી. અકસ્માત બાદ લોકોના ટોળા જામી ગયા હતા અને રખડતા ઢોર અંગે ચર્ચાઓ અને કોર્પોરેશનની ઢોર પાર્ટી અંગે સવાલો પણ ઉઠવા લાગ્યા. નગરજનોનો સવાલ એક જ છે કે, શું કોર્પોરેશનની ઢોર પાર્ટી વાસ્તવમાં અસરકારક રીતે કામ કરી રહી છે? કારણ કે શહેરમાં રોજબરોજ ઢોરના ત્રાસથી અકસ્માતની આશંકા વધી રહી છે. મૂંગા પ્રાણીઓનો જીવ પણ બચવો જોઈએ અને શહેરના લોકોની સુરક્ષા પણ જાળવવી જોઈએ. હવે જોવું રહેશે કે કોર્પોરેશન આ ઘટનાને ધ્યાનમાં લઇ આગળ શું પગલાં ભરવામાં આવશે.

Most Popular

To Top