રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં બે દિવસની ભારત મુલાકાતે છે. તેમની મુલાકાતનો સૌથી ભાવુક ક્ષણ આજે તા. 5 ડિસેમ્બરની સવારે જોવા મળી. જ્યારે તેઓ રાજઘાટ પહોંચ્યા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
પુતિને ગાંધીજીના સમાધિસ્થળ પર મૌન ધરીને પુષ્પાંજલિ અર્પણ કરી અને વૈશ્વિક શાંતિના પ્રતિક એવા ગાંધીજીના આદર્શોને સ્મરણ કર્યા. તેમની આ મુલાકાત રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે પરંતુ રાજઘાટની મુલાકાતે આ પ્રવાસને એક અલગ જ મહત્વ આપ્યું છે.
રાજઘાટ પરથી રાષ્ટ્રપતિ પુતિન સીધા હૈદરાબાદ હાઉસ પહોંચ્યા. જ્યાં તેઓ પીએમ નરેન્દ્ર મોદી સાથે 23મી ભારત–રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. બંને નેતાઓ વચ્ચે વેપાર, સંરક્ષણ, ઊર્જા સહકાર, ટેક્નોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. સંમેલન પૂર્ણ થયા પછી સંયુક્ત પત્રકાર પરિષદ યોજાશે. જેમાં કેટલાક મહત્વપૂર્ણ કરારોની જાહેરાત થવાની શક્યતા છે.
ગઈ કાલે ગુરુવારે દિલ્હી પહોંચતા જ પીએમ મોદીએ પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત વિશેષ એટલા માટે મહત્વપૂર્ણ છે કે 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિનની આ પહેલી ભારત મુલાકાત છે.
રાજધાની દિલ્હીમાં પુતિન માટે ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે સાંજે 7 વાગ્યે તેઓ રાષ્ટ્રપતિ ભવન જશે. જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે.
મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવાથી પુતિનની પ્રવાસની શરૂઆત એક શાંતિપૂર્ણ સંદેશ સાથે થઈ છે. જે ભારત-રશિયા સંબંધોમાં નવા અધ્યાયને વધુ ઊંડાઈ આપી શકે છે.