ગાર્ડનની જગ્યાએ ‘વુમન્સ હોસ્ટેલ’ બનશે તો ‘લવ જેહાદ’ વધશે! સ્થાનિકોનો ઉગ્ર વિરોધ, ‘શ્વાસ ન છીનવો’ની લાગણીસભર અપીલ

વડોદરા એક તરફ વધતા હવા પ્રદૂષણ ને કારણે વડોદરાવાસીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે અને શહેરને શુદ્ધ હવા આપતા બાગ-બગીચાઓની તાતી જરૂરિયાત છે, ત્યાં જ સુભાનપુરા વિસ્તારના એકમાત્ર ગાર્ડન પર વડોદરા મહાનગર પાલિકા ની નજર બગડી હોવાનું જણાઈ રહ્યું છે. પાલિકાએ અગાઉ આ ગાર્ડનને એક્સસ્ટેન્ડ કરવાના આપેલા વાયદાઓથી પલ્ટી મારી છે, અને હવે બગીચાની નજીકની પાલિકાની જગ્યામાં વુમન્સ વર્કિંગ હોસ્ટેલ બનાવવાની હિલચાલ શરૂ કરી છે.

પાલિકાના આ નિર્ણયથી રોષે ભરાયેલા સુભાનપુરા ગાર્ડનના મોર્નિંગ વોકર્સ, સિનિયર સિટીઝન્સ અને આસપાસની સોસાયટીના રહીશોએ શુક્રવારે વહેલી સવારે એકઠા થઈને સખત વિરોધ નોંધાવ્યો હતો. આ લોકોએ પાલિકાએ બોલીને ફોક કર્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી અને બગીચાની બહાર સૂત્રોચ્ચાર કરીને વર્કિંગ વુમન્સ હોસ્ટેલના પ્રસ્તાવને રદ કરવાની માંગ કરી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે, વડોદરામાં પહેલેથી જ ગાર્ડન્સની અછત છે. આ ગાર્ડનમાં પહેલેથી જ પાર્કિંગ અને ડમ્પિંગ જેવી તકલીફો છે, ત્યારે જો વર્કિંગ વુમન્સ હોસ્ટેલ બનશે તો બાગ-બગીચાઓનું મહત્વ ઘટી જશે. સિનિયર સિટીઝનોએ ભાવુક અપીલ કરતાં કહ્યું કે, “અમે વડોદરાને ઘણું આપ્યું છે. અમારી વિનંતી છે કે અમારા થોડા શ્વાસ બચ્યા છે, તે તો ન છીનવો!”
હોસ્ટેલના વિરોધ પાછળ એક ગંભીર સામાજિક દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. વિરોધ કરી રહેલા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે વુમન્સ વર્કિંગ હોસ્ટેલ બનવાથી વિસ્તારમાં ‘લવ જેહાદ’ જેવા બનાવો વધવાની શક્યતા છે. આ પ્રકારની હોસ્ટેલ આસપાસના સામાજિક વાતાવરણ પર નકારાત્મક અસર કરશે તેવો ડર સ્થાનિકોમાં પ્રવર્તી રહ્યો છે.
આ તમામ વિરોધ વચ્ચે, રહીશોએ તેમની મૂળ માંગને ફરી દોહરાવી છે: વર્કિંગ વુમન્સ હોસ્ટેલનો પ્રસ્તાવ રદ કરીને પાલિકાએ અગાઉના વાયદા મુજબ સુભાનપુરા ગાર્ડનને તાત્કાલિક એક્સસ્ટેન્ડ કરવો જોઈએ, જેથી શહેરને શુદ્ધ હવા અને નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ મળી રહે. પાલિકા હવે જાહેર જનતાની આ લાગણીઓ અને જરૂરિયાતોને ધ્યાને લઈને શું નિર્ણય લે છે, તેના પર સૌની નજર ટકેલી છે.