મુંબઈ,દિલ્હી,પુણે,હૈદરાબાદ અને ગોવાની ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરોને હાલાકી
પાયલોટ અને એરલાઈન્સ વચ્ચે મડાગાંઠ,500 થી વધુ ફ્લાઇટને અસર

( પ્રતિનિધિ )વડોદરા,તા.5
ઈન્ડિગોમાં પાયલોટ અને ક્રૂમેમ્બરની અછતના કારણે હવાઈ મુસાફરી ઠપ્પ થઈ છે. ત્યારે, શુક્રવારે ઈન્ડિગોની મુંબઈ-વડોદરા-મુંબઈની ફ્લાઇટ 6E-5126/6087, ઇન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઇટ 6E-5066 / 6662, ઈન્ડિગોની પુણે-વડોદરા-પુણેની ફ્લાઇટ 6E-6241/6245 અને ઈન્ડિગો હૈદરાબાદ- વડોદરા-ગોવાની પણ ફ્લાઇટ 6E- 2178/105 પણ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી.
દેશની સૌથી મોટી એરલાઇનમાં પાયલટ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે મોટી કટોકટી સર્જાય છે. દિલ્હી મુંબઈ બેંગલુરુ ચેન્નાઇ અને હૈદરાબાદ સહિતની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરવામાં આવી રહી છે. ઈન્ડિગોનો સમયસર ઉડાનદર હવે ઘટીને તળિયે જઈ રહ્યો છે. ઈન્ડિગો અને તેના 434 વિમાનો સાથે દરરોજ 2000 ઉપરાંત ફ્લાઇટ ચલાવે છે. જે એર ઇન્ડિયાની દૈનિક ફ્લાઈટ કરતાં બમણી છે. જો 10-20 ટકા ફ્લાઈટને અસર થાય તો 200થી 400 જેટલી ફ્લાઈટ અને હજારો મુસાફરોને અસર થાય છે. છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાના બનાવ વધી રહ્યા છે. ઈન્ડિગોની દિલ્હીની ફ્લાઈટ પણ ગુરુવારે રદ થઈ હતી. જ્યારે બેંગ્લોરની ફ્લાઈટ સાત કલાક મોડી પડી હતી. આ ઉપરાંત ઈન્ડિગોની દિલ્હીની ફ્લાઈટ ચાર કલાક મોડી રાત્રે 10:30 કલાકે આવી હતી. પાયલોટની અછત સર્જાવાના કારણે ફ્લાઇટ રદ થઈ રહી છે. સતત ચોથા દિવસે પણ શુક્રવારે ઈન્ડિગોની મુંબઈ-વડોદરા- મુંબઈની ફ્લાઇટ 6E-5126/ 6087, ઇન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઇટ 6E-5066/ 6662, ઈન્ડિગોની પુણે-વડોદરા-પુણેની ફ્લાઇટ 6E-6241/6245 અને ઈન્ડિગો હૈદરાબાદ- વડોદરા-ગોવાની પણ ફ્લાઇટ 6E- 2178/105 પણ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી. ત્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા શુક્રવારે અને શનિવારે દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર 02 વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. શુક્રવારે એર ઈન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી વડોદરા 1:45 વાગ્યે પહોંચશે અને 3:05 વાગ્યે દિલ્હી માટે રવાના થશે.