ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં ગત રોજ બુધવારે મોડી રાત્રે નેશનલ હાઈવે 9 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ચાર યુવા ડોક્ટરોનું મોત થયું. મળતી માહિતી મુજબ ઝડપી ગતિએ દોડી રહેલી કારનો નિયંત્રણ ચાલક ગુમાવી બેઠો અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા DCM વાહન સાથે જોરદાર અથડામણ થઈ. ટક્કર એટલી ભયાનક હતી કે કારના ચુરા થઈ ગયા અને ચારેય લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.
મળતી માહિતી મુજબ અકસ્માત અમરોહાના રાજબપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અત્રાસી પાસે ફ્લાયઓવર નજીક બન્યો હતો. મૃતકો બધા જ શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાં મેડિકલનું અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હતાં અને તેઓ મેરઠથી ગાઝિયાબાદ તરફ પરત ફરી રહ્યા હતા. અકસ્માત સમયે રાત્રિના લગભગ 10 વાગ્યા હતા. જાણવા મળ્યું છે કે DCM ટ્રક સામાનથી ભરેલું હતું અને અંધારામાં હાઈવેની બાજુમાં પાર્ક કરેલું હતું. રાતના અંધારામા તે બરાબર ન દેખાયું હશે જેના કારણે કાર સીધી તેની પાછળ જઈ અથડાઈ.
ટક્કર બાદ DCMનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસ અને સ્થાનિક લોકોની મદદ લેવાઈ હતી. ત્યારબાદ બધાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. ક્રેનની મદદથી કાર અને DCMને રોડ પરથી હટાવવામાં આવ્યા. જેથી ટ્રાફિક ફરી સરળ બન્યો.
પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે ઊંચી ઝડપ, અંધારામાં બેદરકારીથી પાર્ક કરેલો ટ્રક અને ઓછું વિઝિબિલિટી આ બધું મળીને અકસ્માતનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટનાએ વિસ્તારના લોકોમાં ભારે શોક અને રોષ પેદા કર્યો છે. કારણ કે ચાર યુવા ડોક્ટરોનું આ રીતે નિધન સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી ફેલાવી ગયું છે.