ભાવનગર શહેરના કાળુભાર રોડ નજીક સ્થિત સમીપ કોમ્પ્લેક્સમાં આજે તા. 3 ડિસેમ્બર સવારે અચાનક આગ લાગી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં દોડાદોડ મચી ગઈ હતી. કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગેલી આ આગ ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ. ચોંકાવનારી વાત એ છે કે આ બિલ્ડિંગમાં 3 થી 4 હોસ્પિટલો આવેલી છે. જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. ધુમાડો વધી જતા હોસ્પિટલોમાં રહેલા દર્દીઓને તાત્કાલિક બહાર ખસેડવા પડ્યા.
ફાયર બ્રિગેડનો તાત્કાલિક પ્રતિસાદ
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખાસ કરીને બાળકોની હોસ્પિટલમાં ધુમાડો ભરાઈ જાય તે પહેલાં જ ફાયરમેનોએ પહેલી માળની બારીનો કાચ તોડી સીડી મૂકી બાળકો અને સ્ટાફને સલામત સ્થળે ખસેડ્યા. ફાયર ઓફિસર પ્રદ્યુમ્નસિંહે જણાવ્યું કે લગભગ 19-20 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
આ કામગીરીમાં 5 ફાયર ફાઇટર અને 50થી વધુ ફાયર બ્રિગેડ કર્મચારીઓ સામેલ રહ્યા હતા. બેઝમેન્ટમાં લાગેલી આગને કારણે બહુ મોટો ધુમાડો ઊઠ્યો હતો. જેના કારણે સમગ્ર કોમ્પ્લેક્સને ખાલી કરાવવું પડ્યું.
કોઈ જાનહાનિ નહીં
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું કે ફાયરની ટીમે સમયસર પહોંચી આગને કાબૂમાં લીધી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આગ લાગવાનો કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.
ભાવનગર મનપાના કમિશનર એન.વી. મીનાએ જણાવ્યું કે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં આગ લાગી હતી. ધુમાડાના કારણે હોસ્પિટલના દર્દીઓને અસર થઈ હતી, તેથી તેમને અન્ય જગ્યાએ ખસેડવા પડ્યા. આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ લેવામાં આવી છે અને ઘટનાની વિગતવાર તપાસ ચાલુ છે.
આ આગે તક્ષશિલા જેવી દુર્ઘટનાની ભયંકર યાદ તાજી કરી દીધી છે. સદભાગ્યે ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી મોટી જાનહાનિ ટળી છે અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.