Business

કહાની ઇમરાન ખાન અને જેમિમા ગોલ્ડસ્મિથની…

વર્ષ 1995 હતું. સ્થળ લંડન. એક સાંજે, મિત્રોની પાર્ટી યોજાઈ રહી હતી. તે પાર્ટીમાં એક સુંદર, સોનેરી વાળવાળી 20 વર્ષની છોકરી અને એક હેન્ડસમ 42 વર્ષનો આધેડ બંને પહોંચ્યા હતા. તેમની આંખો મળી ગઈ, એટલે લવ એટ ફર્સ્ટ સાઇટ – અને તેઓ આગળ વધ્યા. એટલી હદે કે તેમની પહેલી મુલાકાતનાં થોડા મહિના પછી જ તેમના લગ્ન થઈ ગયા! આ છોકરી જેમિમા ગોલ્ડસ્મિથ હતી, જે લંડનના એક શ્રીમંત ઉદ્યોગપતિ સર જેમ્સ ગોલ્ડસ્મિથની પુત્રી હતી. અને હેન્ડસમ આધેડ ઇમરાન ખાન હતો, જે પાકિસ્તાની ક્રિકેટનો ચમકતો સ્ટાર અને વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન હતો. ઇમરાન અને જેમિમાની જોડી ઝડપથી અખબારોમાં હેડલાઇન્સ બની ગઈ હતી. જેમિમા પાકિસ્તાની પ્લેબોય તરીકે જાણીતા ઇમરાન સાથે એટલી પ્રેમમાં ગળાડૂબ હતી કે ઉંમરનો તફાવત કે અલગ દેશ, અલગ સમાજ અને સંપૂર્ણપણે અલગ રિવાજો તેને રોકી શક્યા નહીં. લંડનના એક શ્રીમંત પરિવારમાં, ખૂબ જ સભ્ય ગણાતા સમાજમાં ઉછરેલી જેમિમા, ઇમરાન ખાન સાથે એટલી બધી ગાઢ પ્રેમમાં હતી કે તેણે બધું છોડીને બાકીનું જીવન પાકિસ્તાનમાં વિતાવવાનું નક્કી કર્યું, જે દેશ ગરીબી અને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો.
થોડા મહિનાઓ પછી, જેમિમા ગોલ્ડસ્મિથે ઇસ્લામ ધર્મ પણ સ્વીકાર્યો હતો. 16 મે, 1995ના રોજ જેમીમા અને ઇમરાનએ પેરિસમાં ઇસ્લામિક રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. પછીના મહિને 21 જૂને, તેઓએ લંડનની રિચમંડ રજિસ્ટર ઑફિસમાં તેમના લગ્ન નોંધાવ્યા હતા. આ પછી જેમિમા ઇમરાન ખાન સાથે નવું જીવન શરૂ કરવા માટે લાહોર આવી ગઈ હતી.
ઇમરાન ખાન અને જેમિમાનું લગ્ન લગભગ નવ વર્ષ સુધી ચાલ્યું. આ સમય દરમિયાન, તેમને બે પુત્રો – સુલેમાન અને કાસિમ જન્મ્યાં. જેમિમા સાથે લગ્ન કર્યાના બીજા જ વર્ષે, ઇમરાન ખાને ક્રિકેટમાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને 1996માં પોતાનો રાજકીય પક્ષ – પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સ્થાપ્યો હતો. ઇમરાન પોતાના શરૂઆતના વર્ષોમાં રાજકારણમાં ખાસ ઇમેજ ઊભી કરી શક્યા ન હતા, પરંતુ પોતાની પાર્ટીની સ્થાપનાના 22 વર્ષ પછી તેમના નસીબમાં પલટો આવ્યો હતો અને તેઓ પાકિસ્તાનના વડા પ્રધાનની ખુરશી સુધી પહોંચી ગયા હતા.
જોકે, ઇમરાનના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન લાહોરની રાવી નદીમાં ઘણું પાણી વહી ગયું હતું. ઇમરાન અને જેમિમાએ છૂટાછેડા લઈ લીધા હતા. જેમિમા તેમના બે પુત્રો સાથે લંડનમાં સ્થાયી થઈ ગઈ હતી. છૂટાછેડા પછી પણ, જેમિમા કદાચ પોતાના પ્રેમને સંપૂર્ણપણે ભૂલી શકી ન હતી અને ઇમરાનના સમર્થનમાં તેમના નિવેદનો સમયાંતરે મીડિયામાં આવતા રહ્યા હતા.
જેમિમા અને ઇમરાન ખાન 2004માં અલગ થયા હતા. ઇમરાન 11 વર્ષ સુધી ફરી સિંગલ રહ્યા હતા. જાન્યુઆરી 2015માં તેમણે બ્રિટિશ-પાકિસ્તાની પત્રકાર રેહમ ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન ફક્ત 10 મહિના ચાલ્યા હતા અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી, રેહમે ઇમરાન ખાન વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી હતી. તેણીએ એક આત્મકથા પણ લખી, જેમાં ઇમરાન ખાન સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા, જેમાં અનેક પરિણીત મહિલાઓ સાથેના સંબંધો, પાંચ ગેરકાયદેસર બાળકો, ડ્રગ્સનો ઉપયોગ અને જાતીય શોષણના ગંભીર આરોપો હતા.
રેહમ ખાનથી છૂટાછેડા પછી, ઇમરાન ખાને ત્રીજી વખત બુશરા માનેકા સાથે લગ્ન કર્યા હતા. 18 ફેબ્રુઆરી, 2018ના રોજ તેમના લગ્ન સમયે બુશરા 40 વર્ષના હતા અને ઇમરાન ખાન 65 વર્ષના હતા. બુશરાના પહેલા લગ્નને 28 વર્ષ થયા હતા અને તેમને પાંચ બાળકો હતા. બુશરા સાથેના તેમના લગ્ન અંગે, ઇમરાનએ એકવાર કહ્યું હતું કે, લગ્ન પહેલાં તેમણે બુશરાનો ચહેરો પણ જોયો ન હતો, કારણ કે તે અન્ય પુરુષોની આસપાસ સંપૂર્ણપણે ઘૂંટણ નીચે સુધીના લિબાસમાં રહેતા હતા. તેમણે ફક્ત બુશરાનો જૂનો ફોટો જોયો હતો. બુશરા સાથે લગ્નના થોડા મહિના પછી, ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા અને એપ્રિલ 2022 સુધી આ પદ પર રહ્યા હતા, પરંતુ સમયના ચક્રો ફર્યા અને ઇમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેઓ પાકિસ્તાનના ઇતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા દૂર કરવામાં આવેલા પ્રથમ વડા પ્રધાન બન્યા હતા. તેમને દૂર કર્યા પછી તેમની મુશ્કેલીઓ વધુ વધી ગઈ હતી. 9 મે, 2023ના રોજ, પાકિસ્તાન રેન્જર્સે તેમને ઇસ્લામાબાદ હાઇકોર્ટ પરિસરમાંથી બળજબરીથી ધરપકડ કરી અને ખેંચીને લઈ ગયા હતા. ઇમરાન ખાન વિરુદ્ધ લગભગ 150 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં ઇમરાન અલ કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષની જેલની સજા કાપી રહ્યા છે. તેમની પત્ની બુશરા પણ સાત વર્ષની જેલની સજા કાપી રહી છે. અને હવે એવો દાવો થઈ રહ્યો છે કે, ઇમરાન ખાનનું જેલમાં જ મોત થઈ ચૂક્યું છે.
ઇમરાન ખાનને લાંબા સમયથી તેમના પરિવાર અને વકીલોને મળવાથી રોકવામાં આવ્યા છે. તેઓ ઓગસ્ટ 2023થી જેલમાં છે, ભ્રષ્ટાચારના આરોપોમાં 14 વર્ષની સજા ભોગવી રહ્યા છે. તેમના પરિવાર અને પાર્ટીના સભ્યોએ તાજેતરના દિવસોમાં અદિયાલા જેલની બહાર પ્રવેશની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યા છે.
પાર્ટીના એક પ્રતિનિધિમંડળે 27 નવેમ્બરના રોજ જેલમાં ઇમરાનની મુલાકાત લીધી હતી, પરંતુ અધિકારીઓએ ફરીથી તેમને મળવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ઇમરાન ખાન અને જેમિમા ગોલ્ડસ્મિથના પુત્ર કાસિમ ખાને, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સૌથી ખરાબ પરિસ્થિતિનો ભય વ્યક્ત કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માગું છું કે પાકિસ્તાની સરકાર અને તેના માલિકો મારા પિતાની સલામતી અને આ અમાનવીય અલગતાના તમામ પરિણામો માટે કાયદેસર, નૈતિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.
હું આંતરરાષ્ટ્રીય સમુદાય, વૈશ્વિક માનવાધિકાર સંગઠનો અને દરેક લોકશાહી અવાજને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા હાકલ કરું છું. તેમના જીવિત હોવાના પુરાવાની માગ કરો, કોર્ટના આદેશનો અમલ કરો, આ અમાનવીય વર્તનનો અંત લાવો અને પાકિસ્તાનના સૌથી લોકપ્રિય રાજકીય નેતાની મુક્તિની હાકલ કરો, જેમને ફક્ત રાજકીય કારણોસર અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાન સરકાર દાવો કરી રહી છે કે ઇમરાન ખાન સંપૂર્ણપણે સ્વસ્થ છે. વડા પ્રધાન શાહબાઝના રાજકીય બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે કહ્યું કે તે સંપૂર્ણપણે ખોટું છે કે ઇમરાનની સંભાળ રાખવામાં આવી રહી નથી. તેમની તબિયત સારી છે અને તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. •

Most Popular

To Top