Comments

અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સથી ઓલિમ્પિક્સ સુધી

૨૬ નવેમ્બરના રોજ અમદાવાદને ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી. ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં ૭૪ કોમનવેલ્થ સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભારતની બિડને બહાલી આપી. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ ગેમ્સ માટે પ્રાથમિક સ્થળો હશે. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ (સીડબ્લ્યુસી)નું આયોજન કર્યાના બે દાયકા પછી ભારત ૨૦૩૦માં આ ગેમ્સના શતાબ્દી સંસ્કરણનું આયોજન કરશે. ભારતીય ઓલિમ્પિક એસોસીએશનના જણાવ્યા અનુસાર, બાકીના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા આવતા મહિને શરૂ થશે અને સંપૂર્ણ શતાબ્દી રમતોની લાઇન-અપ આવતા વર્ષે જાહેર કરવામાં આવશે. વિચારણા હેઠળની રમતો છે: તીરંદાજી, બેડમિન્ટન, 3×3 બાસ્કેટબોલ અને 3×3 વ્હીલચેર બાસ્કેટબોલ, બીચ વોલીબોલ, ક્રિકેટ ટી20, સાઇકલિંગ, ડાઇવિંગ, હોકી, જુડો, રિધમિક જિમ્નેસ્ટિક્સ, રગ્બીસેવન્સ, શૂટિંગ, સ્ક્વોશ, ટ્રાયથલોન અને પેરા ટ્રાયથલોન અને કુસ્તી.

ભારત પ્રતિષ્ઠિત રમતગમત સ્થળ તરીકે જોવા માંગે છે – યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી વ્યૂહાત્મક પણ છે. ભારતે 2036 ઓલિમ્પિકનું આયોજન કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ રજૂ કરી દીધો છે, જેમાં અમદાવાદ સૌથી આગળ છે. આ ઉપરાંત, ભારત માટે રમતોનું આયોજન કરીને હેતુ શોધવાનો આ એક રસ્તો હોઈ શકે છે, જે કોમનવેલ્થમાં લગભગ બીજું કોઈ ઇચ્છતું નથી. 2000થી ભારતે ઓલિમ્પિકમાં સામેલ લગભગ અડધી રમતોમાં ખેલાડીઓ મોકલ્યા નથી. સિડની ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ 28 રમતોમાંથી ફક્ત 13 રમતોમાં થયું હતું.

પેરિસમાં ભારતના ખેલાડીઓ 32 રમતોમાંથી ફક્ત 16 રમતોમાં જ ક્વોલિફાય થયાં હતાં. ઓલિમ્પિક્સથી વિપરીત, કોમનવેલ્થ ગેમ્સ મુશ્કેલીઓથી ઘેરાયેલી રહી છે. વસાહતી પછીના વિશ્વમાં તે સુસંગતતા માટે સંઘર્ષ કરી રહ્યું છે. વધતા ખર્ચને કારણે એક પછી એક યજમાન શહેરો બહાર થઈ ગયાં છે – 2022માં બર્મિંગહામે ડર્બનની જગ્યા લીધી; ઓસ્ટ્રેલિયન રાજ્ય વિક્ટોરિયાએ પીછેહઠ કર્યા પછી 2026 માટે ગ્લાસગો બચાવમાં આવ્યું છે અને કેનેડિયન પ્રાંત આલ્બર્ટાની જગ્યા અમદાવાદે લીધી છે. થોડા સમય પહેલાં ભારત ખુદ આ સ્પર્ધા પ્રત્યે નીરસ હતું.

ગ્લાસગો 2026માં ફક્ત 10 રમતોનો સમાવેશ થશે અને બેડમિન્ટન, હોકી, શૂટિંગ અને ક્રિકેટ જેવી રમતોને દૂર કરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ખૂબ જ ઓછી રમતો છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે. કારણ કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન જેવા દેશો કોમનવેલ્થનો ભાગ નથી. ભારતે છેલ્લી ચાર આવૃત્તિઓમાં 61, 66, 64 અને 101 મેડલ જીત્યા છે. પરંતુ ત્યાર બાદના ઓલિમ્પિક્સમાં તેણે અનુક્રમે ફક્ત 6, 7, 2 અને 6 મેડલ જીત્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સ, સ્વિમિંગ, સાઇકલિંગ, જિમ્નેસ્ટિક્સ, કુસ્તી અને કેનોઇંગમાં કુલ ૩૩૯ ગોલ્ડ મેડલમાંથી લગભગ ૧૫૦ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ટોચના ઓલિમ્પિક રાષ્ટ્રો – જેમ કે અમેરિકા, ચીન અને રશિયા જ્યારે તેને મંજૂરી આપવામાં આવી હતી – મુખ્યત્વે આ રમતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે તેમના મેડલનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. છમાંથી ભારત ફક્ત કુસ્તીમાં સિરીયસ ખેલાડી હોવાનો દાવો કરી શકે છે અને અન્ય પાંચમાં તેની હાજરી નજીવી છે. ટોક્યોમાં નિરજ ચોપરાનો ગોલ્ડ અને પેરિસમાં સિલ્વર અને રિયો ૨૦૧૬માં દીપા કર્માકરનું ચોથું સ્થાન એથ્લેટિક્સ અને જિમ્નેસ્ટિક્સમાં અપવાદ છે. સાઇકલિંગમાં ૧૯૬૪ બાદથી કોઈ ભારતીય ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયું નથી અને તરવૈયાઓએ દરેક ચક્રમાં ‘એ’ ક્વોલિફિકેશન માર્ક મેળવવા માટે સંઘર્ષ કર્યો છે.

તેથી જ અમદાવાદ ૨૦૩૦ એ ૨૦૧૦ની રમતોમાંથી શીખવાની અને ભારત જ્યાં મજબૂત નથી ત્યાં નવેસરથી ધ્યાન આપવાની તક હોઈ શકે છે. ભારતે એ પણ જોયું છે કે ડોપિંગની સમસ્યા વધુ ને વધુ વધી રહી છે, જે જો અનિયંત્રિત રહી તો તેની શાખને નુકસાન પહોંચાડી શકે છે. ઉપરાંત, જ્યારે નવી દિલ્હીએ 2010માં રમતોનું આયોજન કર્યું હતું ત્યારે વ્યાપક ભ્રષ્ટાચાર અને અસમર્થતાના આરોપો લાગ્યા હતા. તો, ભારત હવે તેનું આયોજન કરવા માટે કેમ તૈયાર છે? સૌ પ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે, આ એક આવશ્યક સોફ્ટ-પાવર માધ્યમ છે. બીજું, રાષ્ટ્રની રમતગમતની આકાંક્ષાઓ અનેકગણી વધી છે. જો કે, તેના ખેલાડીઓનું પ્રદર્શન ગતિ જાળવી શક્યું નથી, તેમ છતાં મેદાન પર શ્રેષ્ઠતાને વૈવિધ્યીકરણ કરવા અને ફક્ત ક્રિકેટથી આગળ વધવા માટે એક વાસ્તવિક દબાણ છે.

ભારત પાસે ડબલ-ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નિરજ ચોપરા જેવા વિશ્વ કક્ષાના હીરો છે અને એવી આશા છે કે, મોટી-ટિકિટ ઇવેન્ટ્સ, જ્યારે કોઈના આંગણામાં યોજાય છે ત્યારે તે પેઢીને પ્રેરણા આપે છે. જે શહેરોમાં રમતો યોજાય છે ત્યાં માળખાકીય ઉન્નતિ થાય છે.પરંતુ સંભવિત મુશ્કેલીઓ પણ છે. સીડબ્લ્યુસી માટે નાણાંકીય ખર્ચને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. કારણ કે ખર્ચ ખૂબ વધારે હોઈ શકે છે. તેથી, અમદાવાદ 2030, તક અને આશા આપે છે. તેનો ઉપયોગ મજબૂત હાજરી દર્શાવવા અને શાનદાર ભવિષ્ય બનાવવા માટે થવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top