યુનિટી માર્ચની સભામાં લાંબા સમયના સ્ટેન્ડિંગ ડ્યૂટીને કારણે ઘટના, પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયા
વડોદરા ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની વડોદરામાં યોજાયેલી યુનિટી માર્ચ અને ત્યારબાદની જાહેર સભા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સભા સ્થળે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત એક સિક્યોરિટી કમાન્ડો અચાનક સ્ટેજ પાસે ઢળી પડ્યા હતા, જેના કારણે થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં આયોજિત યુનિટી માર્ચની પૂર્ણાહુતિ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી. જ્યારે નડ્ડાજીનું ભાષણ ચાલી રહ્યું હતું, તે જ સમયે સ્ટેજની સુરક્ષામાં તૈનાત એક કમાન્ડોની તબિયત લથડી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કમાન્ડો લાંબા સમય સુધી સતત ઉભા રહેવાના કારણે થાક અને અશક્તિ અનુભવી રહ્યા હતા, જેના પરિણામે તેઓ સ્ટેજ નજીક જ અચાનક ઢળી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સુરક્ષાકર્મીઓ અને સભામાં હાજર અન્ય લોકો તાત્કાલિક કમાન્ડોની મદદે દોડી ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ, સમય ગુમાવ્યા વિના તેમને સારવાર અર્થે સભા સ્થળ પરથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કમાન્ડોને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ જ ભાજપના કાર્યકરો અને સુરક્ષાકર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને કારણે સભામાં થોડીવાર માટે બધાનું ધ્યાન ખેંચાયું હતું, જોકે જે.પી. નડ્ડાએ પોતાનું સંબોધન ચાલુ રાખ્યું હતું. તંત્ર દ્વારા કમાન્ડોની તબિયત અંગે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.