National

રશિયન રાષ્ટ્રપતિ પુતિન આ દિવસે આવી રહ્યા છે ભારતની મુલાકાતે

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતી તા.4 અને 5 ડિસેમ્બરે ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર તેઓ દિલ્હીમાં 23મા ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. ભારતના વિદેશ મંત્રાલયે પુતિનની આ મુલાકાતની પુષ્ટિ કરી છે.

આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના જૂના અને મજબૂત સંબંધો પર ફરી એક વાર ચર્ચા થશે. ખાસ કરીને તેલ ખરીદી, સંરક્ષણ, વેપાર, ઊર્જા અને ભૂરાજકીય મુદ્દાઓ આ બેઠકમાં મુખ્ય એજન્ડા તરીકે રહેશે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી રક્ષણ ક્ષેત્રમાં સહકાર ચાલે છે, અને આ મુલાકાતમાં કેટલીક નવી સમજૂતીઓ પણ શક્ય છે.

આ મુલાકાતની પૃષ્ઠભૂમિ ઓગસ્ટ મહિનામાં NSA અજિત ડોભાલની મોસ્કો મુલાકાતથી શરૂ થઈ હતી. જ્યાં આ મુલાકાત અંગે પ્રાથમિક ચર્ચા થઈ હતી. ત્યારબાદ પીએમ મોદી અને પુતિનની ચીનમાં SCO સમિટ દરમિયાન ટૂંકી મુલાકાત પણ થઈ હતી. જેમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રાલયએ જણાવ્યું છે કે પુતિનની આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેની વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી’ને વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને દેશો લાંબા સમયથી એકબીજાના વિશ્વસનીય ભાગીદાર છે અને આ સંબંધોને વધુ આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

દિલ્હીમાં રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમને રાજકીય સમારોહ સાથે આવકારશે. બાદમાં પુતિન અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચાઓ થશે.

આ મુલાકાત ભારત-રશિયા સંબંધોની નવી દિશા નક્કી કરવા માટે ખાસ માનવામાં આવી રહી છે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર પણ પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરશે. પુતિનની આ ભારત યાત્રાને રાજનૈતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

Most Popular

To Top