SURAT

સ્માર્ટ સિટી સુરતમાં AI ક્રાંતિ: 5 મિનિટમાં કેટલોગ, 5 સેકન્ડમાં રેસિપી

સુરત: ટેક્સટાઇલ ઉદ્યોગકારોને સાડી, ડ્રેસ કે કુર્તી બનાવવામાં જેટલી મહેનત નહોતી પડતી એથી વધુ મહેનત મુંબઈથી કોઇ સારી મોડલ શોધી કેટલોગ બનાવીને પ્રેઝન્ટ કરવામાં પડતી હતી. પણ હવે એઆઈ આવવાથી તેમનું આ ટેન્શન પૂરું થઈ ગયું છે.

ચેટજીપીટી ગો અને જેમિની બનાના જેવાં એઆઈ ટૂલ્સ ભારતમાં હવે થોડા સમય માટે ફ્રી થતાં તેમની પાસે શ્રેષ્ઠ કામ કઈ રીતે લઈ શકાય એ જાણવા, સમજવા ને શીખવાની હોડ લાગી છે. આ સાથે જ ઝોહો જેવાં ઘણાં સ્વદેશી એઆઈ ટૂલ્સ પણ લોકપ્રિય થવા લાગ્યાં છે.

  • દેશી-વિદેશી એઆઈ ટૂલનાં એડ્વાન્સ વર્ઝન ફ્રી થતાં એઆઈ શીખવા ધસારો, ચેમ્બરે એઆઈ શીખવા 8 દિવસનો ખાસ વર્કશોપ યોજ્યો

સ્માર્ટ સિટી સુરત શહેર નવી ટેક્નોલોજીના સ્વીકારમાં દેશને લીડ કરી રહ્યું છે. હવે ટેક્સટાઈલ ઉદ્યોગના માલિકોને કેટલોગ બનાવવા માટે મુંબઈ કે દિલ્હી જવાની જરૂર રહેતી નથી. જનરેટિવ AIની મદદથી માત્ર થોડા ક્લિક્સમાં પ્રીમિયમ કેટલોગ, વિડીયો અને ડિઝાઇન રેડી થઈ જાય છે. એટલું જ નહીં ઘરની ગૃહિણીઓ પણ હવે ટીવી પર રસોઈ શો જોતી નથી, છતાં “ChatGPT, આજે જ પનીર લવાબદાર બનાવવું છે…!” કહીને AI પાસેથી સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન લઈ નવી વાનગીઓ બનાવી રહી છે!

આ બધું જ શીખવવામાં આવ્યું એક જ વર્કશોપમાં. “AI in Action–8 Days Action Taking Workshop”નું સફળ આયોજન ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સમૃદ્ધિ બિલ્ડિંગ, નાનપુરા ખાતે કરવામાં આવ્યું હતું.

દરરોજ સવારે ૮થી ૯:૩૦ સુધી ચાલેલા આ ૮ દિવસના વર્કશોપમાં જાણીતા AI કમ્યુનિકેશન કોચ ભૌતિકકુમાર વઘાસીયાએ ખૂબ જ સરળ ભાષામાં AIનો વ્યવહારુ ઉપયોગ શીખવ્યો. તેમણે બિઝનેસમાં AIનો પ્રેક્ટિકલ ઉપયોગ ડિજિટલ માર્કેટિંગ ઓટોમેશન, કન્ટેન્ટ ક્રિએશન અને વિડીયો એડિટિંગમાં જનરેટિવ AI તેમજ પ્રોડક્ટિવિટી વધારવા માટેની ટેકનિક્સ શીખવી હતી.

વર્કશોપમાં ટેક્સટાઈલ ઉદ્યોગના બિઝનેસ ઓનર્સ, ડિજિટલ માર્કેટિંગ પ્રોફેશનલ્સ, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ, ગૃહિણીઓ, ફૂડ મેન્યુફેક્ચરર્સ, કોચ અને ટ્રેનર્સ સહિત અનેક સેગમેન્ટના લોકો હાજર રહ્યા હતા.

એક ટેક્સટાઈલ વેપારીએ કહ્યું, “અમને મુંબઈમાં મોડલ બુક કરાવવામાં 5-75 હજાર ખર્ચ થતો હતો. આજે અમે AIથી 10 જ મિનિટમાં વધુ સુંદર કેટલોગ બનાવીએ છીએ, તે પણ સાવ ઓછા ખર્ચે. ખરેખર ગેમ ચેન્જર છે!”

આ સેશનમાં ભાગ લેનાર એક ગૃહિણીએ હસતાં હસતાં કહ્યું, “હવે મારી પાસે પર્સનલ માસ્ટર શેફ છે – ChatGPT! બધી રેસિપી ગુજરાતીમાં મળે છે, એ પણ મારા ઘરમાં જે સામગ્રી હોય એ પ્રમાણે. હવે અમારા ઘરમાં બધાને રોજ નવી નવી વસ્તુ ખાવા મળે છે.”

સત્ર દરમિયાન ભાગ લેનારાઓએ ChatGPT અને Geminiમાંથી બેસ્ટ આઉટપુટ કેવી રીતે મેળવવું, AI એજન્ટ કેવી રીતે બનાવવા તેમજ AIથી પિચ ડેક, લોગો, વિડીયો રિલ, માર્કેટિંગ પ્લાન અને બિઝનેસ પ્રેઝન્ટેશન, નામ સાથેના પર્સનલાઈઝ્ડ બર્થ ડે સોંગ કેવી રીતે તૈયાર કરવા તે શીખ્યું હતું.

SGCCIના આ પ્રયત્નથી સમગ્ર સુરત AI રેવોલ્યુશનને પ્રેક્ટિકલ લેવલ પર અપનાવી રહ્યું છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે AI હવે માત્ર ટેક્નોલોજી નહીં, પણ રોજિંદા જીવનની જરૂરિયાત બની રહ્યું છે.

Most Popular

To Top