SURAT

વરાછા ઓવરબ્રિજ નીચે રહેતા લોકો- બાળકો અફીણ-ગાંજો વેચે છે

સુરત: વરાછા સૂર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા પાસેના પ્રાણી સંગ્રહાલય સુધીના બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ગેરકાયદે રીતે વસાવટ કરતાં લોકો અને તેમના દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની રજૂઆત મનપા કમિશનરને પત્ર લખીને વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી હતી.

  • વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખી વધુ એક વખત બ્રિજ નીચેના દબાણો દૂર કરવા માંગ કરી

બ્રિજની નીચે વસવાટ કરનારા લોકોનું દૂષણ વધ્યું હોય વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ મ્યુ. કમિશનરને પત્ર લખી તાકીદે ગેરકાયદે રીતે રહેતા લોકો અને તેમના દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, સૂર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલા ફલાય ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં લોકો રહે છે અને JCB, ટ્રક, ટેમ્પો જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે. જેને કારણે તેની આડમાં ગેરકાયદે ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે.

આ ખૂબ જ ગંભીર બાબત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. લોકો દ્વારા અને સામાજીક સંસ્થાઓ દ્વારા પણ આ વાત ધ્યાન પર મુકવામાં આવી છે. છતાં આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામ કરી પ્રશ્નનો કાયમી ધોરણે હલ કરવામાં આવતો નથી. આ કામ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો. તેનો લેખિતમાં જવાબ આપવા આવે તેવી માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.

Most Popular

To Top