આવી ભૂલ નહીં કરવા પણ આરોપીએ સ્વીકાર્યું
વડોદરા તા.28
એક ઠગે વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારીને પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને ચાઇનીઝના રૂપિયા આપ્યા નહોતા. જેથી વેપારીએ ફોન કરીને રૂપિયા માંગતા આરોપીની પત્નીએ પોલીસ પાસે પૈસા માંગો છો તેમ કહીને ધમકાવ્યા હતા. જેની ફરિયાદ વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે મોબાઈલ લોકેશન ના આધારે ખોટી પીએસઆઇની ઓળખ આપનાર આરોપી અને તેની પત્નીને આજવા રોડ ઉપરથી ધરપકડ કરી હતી. બાપોદ પોલીસ સ્ટેશનમાં નકલી પીએસઆઇ તરીકેની ઓળખ આપનાર આરોપીને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી વિડીયો પણ બનાવ્યો હતો. ત્યારે આરોપીએ મારું નામ બકુલ છે, મેં પીએસઆઇ તરીકેની ખોટી ઓળખ આપીને જમવાનું પાર્સલ મંગાવ્યું હતું, મારી ભૂલ થઈ ગઈ છે, હવે હું આવી ભૂલ ફરી નહીં કરું,હું માફી માંગુ છું તેવી કબુલાત કરી હતી.
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલ અહેમદ પાર્કમાં રહેતા વેપારી સિદ્દીકઅલી મંજુરઅલી સૈયદ સરદાર એસ્ટેટની બહાર કોલોની પાસે ચાઈનીઝ ફૂડની દુકાન ચલાવે છે. ગત 23 નવેમ્બરના રોજ રાત્રિના સમયે એક યુવક બાઈક પર આવ્યો હતો. દુકાનના વેપારી સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે હું વાડી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ નલવાયા સાહેબ બોલુ છું. તેણે ચિકન ચાઈનીઝ ભેલનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર તૈયાર થયા બાદ પૈસા માંગતા આ શખ્સે ફરીથી પીએસઆઈ સાથે વાત કરાવી હતી ત્યારે વેપારીને મોબાઈલ નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે, બાપોદ પોલીસ સ્ટેશનના તેમના મિત્ર એક-બે કલાકમાં આવીને રૂ.140નું પેમેન્ટ કરી દેશે. આ વાત પર વિશ્વાસ કરીને ફરિયાદીએ પાર્સલ આપી દીધું હતું.
બીજા દિવસે વેપારીએ મોબાઈલ નંબર પર કોલ કર્યો ત્યારે એક મહિલાએ ફોન ઉપાડ્યો તેણે કહ્યું કે, અડધા કલાકમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી દેશે અને તેમના પતિ પીએસઆઈ છે તમને રૂ.140 માંગતા શરમ નથી આવતી ? ત્યારબાદ પણ પેમેન્ટ આવ્યું ન હતું. વેપારીએ વારંવાર કોલ કર્યા છતાં તેઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ શખ્સોએ પીએસઆઇની ખોટી ઓળખ આપીને રેપીડો વાળાના રૂ. 40નું પેમેન્ટ કર્યું નહોતું. જેને ફરિયાદ ચાઈનીઝના વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે પોલીસે વેપારીને આપેલા મોબાઈલ નંબર નું લોકેશન ટ્રેસ કરતા આજવા રોડ પર આવેલા શ્રી હરી ટાઉનશિપનું નીકળ્યું હતું. જેથી પોલીસે લોકેશન પર જઈને તપાસ કરતા મોબાઈલ નંબર ધારક બકુલ જશુ તથા રશ્મી બકુલ બંને હાજર હોય તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે બકુલની પૂછપરછ કરતા આરોપીઓએ પોલીસમાં નથી તેમ છતાં પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી હતી. બાપોદ પોલીસે આરોપી બકુલ જશુભાઈ અને રશ્મિબેન બકુલભાઈ (બંને રહે. હરિ ટાઉનશીપ, સયાજી પાર્ક પાસે, આજવા રોડ, વડોદરા) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસે આરોપી બકુલને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી અને કાયદા ના પાઠ ભણાવતા તેણે આવી ભૂલ ફરીવાર નહીં કરવા માટે ખાતરી આપી હતી.