ચીનના દક્ષિણી પ્રાંત યુનાનમાં આજે તા. 27 નવેમ્બર ગુરુવારના રોજ એક મોટી દુર્ઘટના બની. જેમાં 11 રેલવે કર્મચારીઓનાં મોત થયા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. આ ઘટના ત્યારે બની જ્યારે ભૂકંપ માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક ટેસ્ટિંગ ટ્રેન અનાયાસે ટ્રેક પર કામ કરતા કર્મચારીઓ સાથે અથડાઈ ગઈ.
આ દુર્ઘટના યુનાન પ્રાંતની રાજધાની કુનમિંગ નજીક આવેલા લુઓયાંગ ટાઉન રેલવે સ્ટેશન પર બની હતી. અહેવાલો મુજબ સ્ટેશન વિસ્તારમાં વળાંકવાળા ભાગમાં એક ટેસ્ટિંગ ટ્રેન અંદર પ્રવેશી રહી હતી ત્યારે તે સમયે રેલવે કર્મચારી ટ્રેક પર કામગીરી કરી રહ્યા હતા. ટ્રેનની ઝડપ અને વળાંકને કારણે તેમને તાત્કાલિક સુરક્ષિત થવાનો મોકો મળ્યો નહીં. જેના કારણે 11 કર્મચારીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. બે કર્મચારીઓને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડાયા છે.
દુર્ઘટનાનીં જાણ થતાજ બચાવ દળ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. સ્ટેશન વિસ્તારમાં થોડા સમય માટે ટ્રેન સેવાઓ બંધ રાખવામાં આવી હતી પરંતુ અધિકારીઓ અનુસાર હવે સામાન્ય પરિવહન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે.
રેલવે પ્રશાસને જણાવ્યું છે કે દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દૃશ્યો પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે કોઓર્ડિનેશનની ખામી અથવા સુરક્ષા પ્રોટોકોલમાં ત્રુટિ આ દુર્ઘટનાનું કારણ બની શકે છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો જવાબદાર હશે તેમના સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના ચીનમાં રેલવે સુરક્ષાને લઈને ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા કરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે વધુ સચોટ સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકે છે.