હોંગકોંગમાં ગત તા. 26 નવેમ્બર બુધવારે રાત્રે મોટી દુર્ઘટના બની હતી. તાઈ પો જિલ્લાના વાંગ ફુક કોર્ટ નામના રહેણાંક સંકુલમાં ભયંકર આગ લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે સંકુલની આઠમાંથી સાત ઇમારતો તેની ચપેટમાં આવી ગઈ હતી. આ ગંભીર ઘટનામાં 44 લોકોના મોત થયા છે. જ્યારે લગભગ 279 જેટલા લોકોનો પત્તો હજુ સુધી મળ્યો નથી. બચાવ દળો આખી રાત લોકોની શોધખોળ અને આગ બુઝાવવાનું કામ કરી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે 44માંથી 40 લોકોને ઘટનાસ્થળે જ જીવ ગુમાવવો પડ્યો. ઓછામાં ઓછા 62 લોકો ઘાયલ થયા છે. જેમાં કેટલાક આગના કારણે અને કેટલાકને ધુમાડો શ્વાસમાં જવાથી ઘાયલ થયા. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ આજે ગુરુવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો અને તે સમયે પણ આગ પૂરી રીતે નિયંત્રણમાં આવી નહોતી.
આગ કેમ ફેલાઈ તે અંગે તપાસમાં એક મોટો મુદ્દો સામે આવ્યો છે. પોલીસને ઇમારતોની બહાર સ્ટાયરોફોમ જેવી જ્વલનશીલ સામગ્રી મળી હતી. જે એક બાંધકામ કંપની દ્વારા લગાવવામાં આવ્યું હતું. પોલીસને શંકા છે કે આ સામગ્રી આગને ઝડપથી ફેલાવામાં જવાબદાર છે અને આ સામગ્રી કોઈ જાની જોઈને લાવ્યું હશે. આ કારણે પોલીસે શંકાસ્પદ લોકો કંપનીના ડિરેક્ટર અને સલાહકારોને ધરપકડ કરી છે.
આગ 32 માળની ઇમારતની બાહ્ય દિવાલ પરથી શરૂ થઈ હતી અને પવનના કારણે બીજી ઇમારતોમાં પણ ઝડપથી ફેલાઈ. બારીઓમાંથી ધુમાડો અને જ્વાળાઓ દેખાતા હોવાથી બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ આવી હતી. સાંકડી જગ્યાઓ અને વધુ તાપમાનને કારણે રેસ્ક્યૂ ટીમને કામ કરી શકવું મુશ્કેલ બન્યું હતું. આગના કારણે લગભગ 900 લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા.
આ સંકુલમાં કુલ 2,000 જેટલા ફ્લેટ અને 4,800 જેટલા રહેવાસીઓ રહે છે. ઘણા વૃદ્ધ લોકો પણ અહીં રહેતા હોવાથી જોખમ વધુ વધ્યું હતું. આ ઇમારતો 1980ના દાયકામાં બનેલી હતી અને તાજેતરમાં તેમાં નવીનીકરણનું કામ પણ ચાલતું હતું.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ ઘટનામાં મોત પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. શહેરના મુખ્ય અધિકારીએ જણાવ્યું કે સરકાર આ આપત્તિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને બચાવ અને મદદનું કામ ચાલુ રાખશે. આ આગ છેલ્લા ઘણા દાયકાઓમાં હોંગકોંગમાં થયેલી સૌથી ઘાતક ઘટનાઓમાંની એક ગણાઈ રહી છે.