Entertainment

સ્મૃતિ મંધાનાના પિતા બાદ હવે મંગેતર પલાશને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના લગ્નને લઈને બનેલી અનિચ્છનિય પરિસ્થિતિએ સમગ્ર પરિવારને ચિંતા વચ્ચે મૂકી દીધા છે. ગત રોજ તા. 23 નવેમ્બર રવિવારે સાંગલીમાં યોજાનાર લગ્ન સમારોહ પહેલાં જ તેમના પિતા શ્રીનિવાસ મંધાનાને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હવે તેમના મંગેતર પલાશ મુચ્છલની તબિયત બગડતા તેમને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરિણામે લગ્નને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ પિતા શ્રીનિવાસ મંધાને નાસ્તા દરમિયાન અચાનક સ્વાસ્થ્ય બગડ્યું હતું. પરિવારએ શરૂઆતમાં લક્ષણોની સુધારાની રાહ જોઈ પરંતુ સ્થિતિમાં સુધારો ન થતાં એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટર્સે પ્રાથમિક ચકાસણી બાદ એન્જાઇના જેવી સ્થિતિ હોવાનું જણાવાયું હતું. હાલમાં તેમનું બ્લડ પ્રેશર સ્થિર કરવાનો પ્રયાસ ચાલુ છે અને મેડિકલ ટીમ સતત દેખરેખ રાખી રહી છે. જરૂરી લાગે તો એન્જીયોગ્રાફી કરવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પરિસ્થિતિમાંથી પરિવાર હજુ બહાર આવ્યો જ નહોતો કે આજે તા.24 નવેમ્બરે સોમવાર સ્મૃતિના મંગેતર પલાશ મુચ્છલને વાયરલ ઇન્ફેક્શન અને તીવ્ર એસિડિટી જણાતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. સારવાર પછી તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે અને તેમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.

મેનેજર તુહિન મિશ્રાના જણાવ્યા મુજબ સ્મૃતિ તેના પિતા સાથે ખૂબ નજીક હોવાથી તેણે લગ્ન સંપૂર્ણપણે મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. પરિવાર હાલમાં શ્રીનિવાસ મંધાનાની તબિયત સુધરે તેની જ પ્રાર્થના કરી રહ્યો છે. મિશ્રાએ મીડિયાને પરિવારની ગોપનીયતા જાળવવાની વિનંતી પણ કરી.

મંધાનાના ફેમિલી ડૉક્ટર ડૉ. નમન શાહે જણાવ્યું કે આવતા એક દિવસ દરમિયાન પિતાની સ્થિતિ સ્થિર થાય તેવી આશા છે. સતત દેખરેખ અને યોગ્ય સારવાર ચાલુ રાખવામાં આવી છે.

ગયા કેટલાક દિવસોમાં સતત બનતી આરોગ્ય સંબંધિત પરિસ્થિતિઓને કારણે સ્મૃતિ મંધાનાના લગ્ન ક્યારે થશે તેની હાલ કોઈ સ્પષ્ટતા નથી. ક્રિકેટ જગતમાં અને ચાહકોમાં બંનેના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

Most Popular

To Top