પ્રતિનિધિ વડોદરા તા.22
વડોદરા શહેરની વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ અમદાવાદમાં રહેતા પ્રેમીએ મહિલાના આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ મામલે મહિલાએ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરામાં રહેતી મૂળ રાજસ્થાનની 37 વર્ષીય વિધવા પતિના અવસાન બાદ વિધવા જીવન ગુજારતી હતી. મહિલા તેની
અમદાવાદ ખાતે રહેતી દીકરી સાથે રહેતી હતી. દરમિયાન અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા ઉત્તમ રમેશ જૈન (ઉંમર 35 વર્ષ) સાથે તે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થયા બાદ પ્રેમ પાંગર્યો હતો. દરમિયાન યુવકે મહિલાને મળવા માટે આવતો હતો અને તેના યુવકે મહિલા સાથેના આપત્તિજનક ફોટો અને વીડિયો પોતાના ફોનમાં ઉતારી લીધા હતા. ત્યારબાદ યુવકે મહિલાને લગ્ન માટે કહ્યું હતું. પરંતુ મહિલાને યુવક યોગ્ય ન લાગતા મહિલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારે પ્રેમી યુવકે મહિલાના બીભત્સ ફોટા
સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા અને ફોટો મહિલાના પરિવારજનોને પણ મોકલ્યા હતા. જે આપત્તિજનક ફોટો જોયા બાદ મહિલાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. નવાપુરા પોલીસે યુવક સામે કલમ 354 અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપી ઉત્તમ જૈનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.