એક ફાઈલ ટેબલ પર પડી છે. દુનિયાભરના હવસખોરોએ કરેલાં દુષ્કર્મોનું એમાં વર્ણન છે. એમ સમજો કે ગુનાઓના ગ્રંથમાં અત્યાચારોની અનુક્રમણિકા છે. જંગલમાં વાઘસિંહ ખુલ્લા ફરે તેમ બળાત્કાર કર્યા પછી ગુનેગારો સમાજમાં બેરોકટોક ફરે છે. સેક્સ માણસની અદ્રશ્ય જરૂરિયાત છે. દરેક બળાત્કાર વખતે સમાજમાં એક બહુ મોટી ચીસ ઊઠે છે. ભૂતકાળ યાદ કરો. 23 ફેબ્રુઆરી 1986માં સુરતમાં 17 વર્ષની મહેતાબનું ખૂન થયું હતું. ત્યારે બળાત્કારના વિરૂધ્ધમાં સ્ત્રીપુરુષોની જંગી રેલી નીકળી હતી. એ રેલીમાં સ્ત્રી કરતાં પુરુષોની સંખ્યા મોટી હતી. (કદાચ ખુદ બળાત્કારી પણ એમાં સામેલ હોય તો નવાઈ નહીં) બળાત્કાર થાય ત્યારે સમાજ એકાદ નાનો સળવળાટ કરીને (બીજો બળાત્કાર થાય ત્યાં સુધી) ખાસ્સી ઊંઘ ખેંચી કાઢે છે. સદીઓથી સમાજે એવી કુંભકરણીય નિદ્રાની બહુ મોટી કિંમત ચૂકવવી પડી છે.
અહીં પ્રશ્ન થશે, એમાં જે કાંઈ કરવાનું છે તે પોલીસ અને કાયદાએ કરવાનું છે. સમાજ તો સહન કરવા સિવાય બીજું શું કરી શકે? યાદ રહે, સમાજ છાશવારે વિવિધ ચિંતન શિબિરો યોજે છે. વિદ્વાન વક્તાઓનાં ભાષણો યોજે છે. કથાકારો નવ દિવસ રામકથા કરે છે પણ સમાજની સાંપ્રત સમસ્યાઓની વાત કોઈ કરતું નથી. કથાકારો સીતાનું અપહરણ થયાની વાત મલાવી મલાવીને કરે છે પણ આજે સેંકડો સીતાઓનાં શિયળ લૂંટાય છે અને હજારો દ્રૌપદીઓનાં વસ્ત્રાહરણ થાય છે તે અંગે કોઈ વિચારણા થતી નથી.
બળાત્કારના કાયમી નિવારણ માટે શું કરવું જોઈએ એ પ્રશ્ન અમારી મિત્રમંડળીમાં ચર્ચાયો. પ્રથમ વાત તો એ છે કે બળાત્કાર ભલે સો ટકા દૂર ન થઈ શકે પણ કડકમાં કડક સજા અને વહીવટી તંત્રની ચુસ્ત તકેદારી હોય તો એંસી – નેવું ટકા સુધી તે જરૂર નિવારી શકાય છે. અરબ કન્ટ્રીઝમાં બળાત્કાર કરનારને ‘સંગસાર’ વિધિથી મારી નાખવામાં આવે છે. (‘સંગસાર’ અટલે બળાત્કારીનું માથું બહાર દેખાય તે રીતે તેને જમીનમાં દાટી દેવામાં આવે છે, ત્યાર બાદ ગામ લોકો તેને પથ્થરો વડે મારી નાખે છે. ત્યાં એવી ધાર્મિક માન્યતા છે કે બળાત્કારીને મારેલો પ્રત્યેક પથ્થર, પ્રહાર કરનારનું કલ્યાણ કરે છે. આ અત્યંત ક્રૂર સજા છે પણ તેને કારણે અરબ કન્ટ્રીઝમાં બળાત્કારો બહુ ઓછા થાય છે)
એક બીજું ઉદાહરણ જોઈએ. એક ગામમાં રસ્તા વચ્ચે બહુ મોટો ખાડો પડ્યો હતો. એક દિવસ એમાં એક માણસ પડીને મરી ગયો. ગામલોકોની મીટિંગ મળી. એવો નિર્ણય લેવાયો કે ખાડો લોકોને ઝટ દેખાય શકે તે માટે ખાડાની બાજુમાં એક બહુ મોટું બોર્ડ લગાવવું જેમાં લખ્યું હોય: “સાવધાન.. અહીં ઊંડો ખાડો છે” અને લોકોએ તાબડતોબ એક બોર્ડ ચીતરાવી ખાડાની બાજુમાં લગાવી દીધું. ગામમાં એક બિરબલ બુદ્ધિનો ચતુર માણસ હતો તેણે પોતાની વાત એક ઉદાહરણ દ્વારા જણાવી: ‘એક નગરમાં રાજાએ પોતાના પગમાં કાંટા ન ભોંકાય તે માટે ગામના તમામ મોચીઓને હુકમ કર્યો કે આખા નગરમાં જમીન પર ચામડું મઢી દો..!’ એક ઘરડા મોચીએ ઉપાય સૂચવતાં કહ્યું: ‘હુઝુર, આખા નગરમાં ચામડું મઢવાને બદલે આપના માપના બુટ બનાવી લઈએ તો કાંટા વાગવાનો ભય જ ના રહે..!’ એણે કહ્યું કે એ રીતે ખાડાની બાજુમાં બોર્ડ મૂકવાને બદલે ખાડો જ પૂરી દઈએ તો સમસ્યાનો કાયમી નિવેડો આવી જાય અને અડધા પૈસામાં એ કામ થઈ જાય!’
આ ઉદાહરણ અત્રે એટલા માટે યાદ આવ્યું કે બળાત્કારમાં માણસની વિસ્ફોટક બનતી જાતીયતા ભાગ ભજવે છે. કુદરતે માણસને અનેક પ્રકૃતિદત્ત લક્ષણો આપ્યાં છે, એમાં જાતીયતા અદ્રશ્ય છતાં ખૂબ પ્રચંડ અને મહત્ત્વની જરૂરિયાત છે. સમાજમાં જેમની સામાજિક પ્રતિષ્ઠા કલંકિત હોવાથી લગ્ન થઈ શકતાં નથી એવાં લોકો તથા જેઓ ગૃહત્યાગ કરી સાધુ બની ગયા હોય તેઓ એ ખામોશ પીડા વેઠાય ત્યાં સુધી વેઠે છે પછી (તેમના સાધુપણાની હાથવગી સગવડ હેઠળ) સાધ્વીઓ કે શિષ્યાઓ સાથે ઈલ્લીગલ સેક્સ આચરે છે. જેમને એવી સગવડ ઉપલબ્ધ નથી તેમની હાલત કૂકરમાંથી બહાર ન નીકળી શકતી વરાળ જેવી વિસ્ફોટક બની રહે છે. અર્થાત્ એમ કહી શકાય કે જાતીય ભૂખમરો વેઠતાં માણસના દેહમાં વાસનાનું કૂકર ફાટે ત્યારે સમાજમાં એક બળાત્કાર થાય છે.
ધૂપછાંવ
એક ચિંતક લખે છે: ‘માણસને સંસારધર્મ કુદરતે બક્ષેલો છે. સંસારધર્મ સાથે ગદ્દારી કરવી એ કુદરતનું અપમાન છે. કુદરતે માણસને માથે વાળ ઉગાડ્યા છે. આપણે એ કાઢી નાખીને ટકોમુંડો કરાવી લઈએ તો તેનાથી ન તો માણસને કોઈ ફાયદો થાય છે ન કુદરતને..! વળી જો સેક્સ પાપ જ હોત તો કુદરતે સ્ત્રી અને પુરુષને એ માટેના વિશેષ અંગો અને પરસ્પર પ્રત્યેનું આકર્ષણ આપ્યું જ ના હોત..! સંસારનું સુપેરે સંવર્ધન થતું રહે તે માટે સેક્સ કુદરતની અદ્રશ્ય વ્યવસ્થા છે. માણસે તેને પાપ સમજવાનું બંધ કરવું જોઈએ.