Trending

માત્ર ધુમ્રપાન જ નહીં, પણ તમાકુના બધા પ્રકાર છોડો

એક નાનકડા વિરામ પછી રવિવાર માટે લખવાનું નક્કી કર્યું ત્યારે જોયું કે માર્ચનો બીજો બુધવાર – આંતરરાષ્ટ્રીય ધૂમ્રપાન નિષેધ દિવસ તરીકે ઉજવાય છે! ‘નો સ્મોકિંગ ડે’ નામ ભલે હોય, પણ ફક્ત ધૂમ્રપાન જ નહીં, બધા તમાકુના પ્રકાર છોડવાનું સલાહભરેલું છે, એ વાત ફરી ફરી કરવાની જરૂર છે.

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે! કઈ રીતે?
ધૂમ્રપાન અને તમાકુથી શરીરનાં લગભગ બધાં જ અવયવ પર ખરાબ અસર થાય છે.

હૃદય
આના પર થતી અસર દર્દીને મૃત્યુદ્વાર પર લાવી શકે છે કારણ કે હૃદયરોગનાં કારણોમાં તમાકુ એક મુખ્ય કારણ છે. તે ઉપરાંત હાઇપરટેન્શન – લોહીના વધુ દબાણમાં પણ તમાકુ અગત્યનો ભાગ ભજવે છે.

ફેફસાં
બ્રોન્કાઇટીસ અને સીઓપીડીમાં તમાકુ મુખ્ય આરોપી છે! તે ઉપરાંત ફેફસાંના કેન્સરમાં પણ! ટીબીની બીમારી વધુ બગડી શકે.

કેન્સર
ફેફસાંનાં કેન્સર પછી, મોઢાંનાં કેન્સર, અન્નનળી અને યુરીનરી બ્લેડર જેવાં બીજાં ઘણાં કેન્સર પણ થઇ શકે.

લોહીની નળીઓ
તમાકુને લીધે આ નળીઓ સાંકડી થાય છે. એના લીધે મગજની નળીઓ પણ અસર પામે છે. લકવો પણ થઇ શકે. હાથપગની નળીઓને અસર થાય તો ગેંગ્રીન થઇ શકે અને તેને કાપવાનો વારો આવી શકે!

પેટ અને આંતરડાં
પેટમાં ચાંદું પડી શકે અને આંતરડાની મુવમેન્ટ ઘટે છે એટલે ઘણાં લોકો સિગરેટ વગર પેટ સાફ ન થાય એવી ફરિયાદ કરે છે!

ગર્ભાવસ્થા અને નવજાત શિશુઓ
આ સમયે ધુમાડાને લીધે બાળકના ડેવલપમેન્ટમાં ઘટાડો આવે છે અને દમ જેવી બીમારી થઈ શકે છે. તે ઉપરાંત ડાયાબિટિઝ, રહુમેટોઇડ આર્થ્રાઇટિસ જેવી બીમારીઓ પણ સ્મોકિંગ સાથે સાંકળવામાં આવી છે.

પેસિવ સ્મોકિંગ
તમારી આસપાસ કોઈ ધૂમ્રપાન કરે તો પણ તમારા શરીરમાં થોડો ધુમાડો જાય – એને પેસિવ સ્મોકિંગ કહે છે અને એનાથી પણ નુકસાન થાય છે એટલે મોટા ભાગના ફર્સ્ટ વર્લ્ડ દેશોમાં જાહેર જગ્યાઓએ સ્મોકિંગ પર નિષેધ હોય છે.

મારે સિગરેટ છોડવી છે પણ છૂટતી નથી!
આ એક બહુ સામાન્ય જવાબ છે અને વાત થોડી સાચી પણ છે. સિગરેટ છોડવી બધાં માટે સહેલું નથી પણ અશક્ય પણ નથી.

  1. ઓછી કરીને કોઈની સિગરેટ છૂટી નથી. એક ઝાટકે જ ત્યાગ કરો! મન મક્કમ કરી એક દિવસ નક્કી કરો – માર્ચ મહિનાનો બીજો બુધવાર ‘નો સ્મોકિંગ ડે’ એટલા માટે નક્કી થયો કે ખ્રિસ્તીઓ માટે એ એશ વેન્સ્ડે ઉપવાસનો દિવસ છે! આપણે આપણા ઇષ્ટદેવનો દિવસ કે ઘરના પ્રિયજનની વર્ષગાંઠ પસંદ કરી શકીએ કે આપણા ધર્મસ્થાનમાં જઈ આ નિર્ણય લઇ શકીએ.
  2. છોડ્યા પછીનો બીજો-ત્રીજો દિવસ અઘરો હોય છે કારણ કે આ સમયે શરીરમાં રહેલું નિકોટીન ખલાસ થઈ જાય છે – એ દિવસે બહુ તકલીફ પડે તો તમારા ડૉક્ટરની સલાહ લો. હંગામી ધોરણે મનને શાંત કરનારી દવાઓ લઇ શકાય.
  3. કબજિયાતની ફરિયાદ માટે થોડો સમય જુલાબની દવા લઇ શકાય
  4. છોડ્યા પછી પાછા એના તરફ લઇ જાય એવા ટ્રીગર ફેક્ટરનું ધ્યાન રાખો અને એનાથી દૂર રહો. સામાન્ય રીતે માનસિક તણાવ, શરાબ, ભારે ખોરાક, અમુક સંગત એમાં કારણરૂપ હોય છે. આપણે કરી શકીએ અને કરવું છે એવો વિશ્વાસ જરૂરી છે.
  5. ઈ-સિગરેટ – એના ફાયદા અને નુકસાન બંને છે એટલે કોઈ નિષ્ણાત સાથે ચર્ચા કરીને એનો ઉપયોગ કરવા વિશે વિચારવું.
  6. નિકોટીન ગમ – સિગરેટમાં નિકોટીન ઉપરાંત કેન્સર થાય એવા બીજા પણ પદાર્થો હોય છે એટલે શરૂઆતના તબક્કામાં અમુક લોકોને બહુ તલપ લાગે તો નિકોટીન ગમનો ઉપયોગ કરી શકાય. એનો ડોઝ ધીમે ધીમે ઘટાડી પછી બંધ કરી દેવાય.
    તો ચાલો – પોતાને અને પોતાના પરિવારને સ્વસ્થ રાખવા માટે આ કુટેવ છોડવાનો સંકલ્પ ત્વરિત કરો અને એને તિલાંજલિ આપો! ખૂબ ખૂબ શુભેચ્છા
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top