Trending

પ્રેમને પ્રેમ સિવાય કોઈ ધર્મ નથી, કોઈ જાત નથી

પ્રેમ જો પ્રેમ હોય તો વિચારનું નહીં, હૃદયના સહજ ધબકારનું પરિણામ હોય છે. પ્રેમ કોઇ કરે નહીં થઇ જાય છે. પ્રેમને પ્રેમ સિવાય કોઇ ધર્મ, કોઇ જ્ઞાતિ, કોઇ સમાજ, કોઇ વર્ગભેદ નથી હોતો. અલબત્ત, આવા શુદ્ધ પ્રેમનાં ઉદાહરણ કોઇ ચોરેચૌટે તો ન જોવા મળે. હૃદય પર વિચારોનું શાસન શરૂ થયા પછી પ્રેમ પણ સામાજિક રમત બની શકે અને જયારે તેમાં રાજકારણ ભળે ત્યારે પ્રેમ નામનું તત્ત્વ બાજુ પર રહી જાય. બહારથી જે સંબંધ પ્રેમનો દેખાતો હોય તે હોય રાજકારણ. આવા સંબંધને પ્રેમ તરીકે ઓળખાવવો જ ખોટો છે.

આપણે લયલા-મજનૂની ચર્ચા કરીએ છીએ ત્યારે તેઓ કયા ધર્મનાં હતાં તેની નહીં, તે બંને વચ્ચે કેવો પ્રેમ હતો તેની ચર્ચા કરીએ છીએ. હીર -રાંઝાની કહાનીમાં આપણે જાણીએ છીએ કે રાંઝા એક ગોવાળ હતો અને હીર પંજાબના ઝેંગ શહેર (હાલ પાકિસ્તાનમાં)ના એક ધનવાન કુટુંબની કન્યા હતી. બંને વચ્ચે પ્રેમ થયો ત્યારે તેઓ માટે પ્રેમ સિવાય કશું ન હતું, પણ પછી સમાજ, કુટુંબ વચ્ચે આવ્યું અને કથા શરૂ થઈ. પ્રેમીઓની કોઇ કથા નથી હોતી, કથા તો તેઓ જેમની વચ્ચે જીવે તે કુટુંબ, સમાજ, ધર્મનાં લોકો ઊભી કરે છે. આવું બધું બને છે કારણ કે પ્રેમીઓ પણ આખરે રહે છે તો સમાજની વચ્ચે. પ્રેમ એક ભીતરનું તત્ત્વ છે પણ પ્રેમીઓના હોવામાં બાહ્ય તત્ત્વો સામેલ થઇ જાય છે પણ હવે ઇન્ટરનેટ, ફેસબુક, સોશ્યલ મીડિયાના જમાનામાં પ્રેમને ધર્મ તો શું દેશની સરહદોમાંય બાંધી શકાય તેમ નથી.

આંતરજ્ઞાતીય લગ્નો હવે આંતરદેશીય સુધી વિસ્તરી ગયા છે અને આ બદલાતા વાસ્તવ વચ્ચે પણ દેશીપણું હજુ જીવે છે. આખો સમાજ, આખી દુનિયા કાંઇ એક સાથે બદલાઈ જાય એવું કયારેય સંભવ નથી અને એટલે પ્રેમ પર આરોપો લાગતા રહેવાના. ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેની પ્રેમકથા સૌથી વધુ વિવાદોમાં આવે છે કારણ કે વીત્યાં 700 -800 વર્ષથી બંને ધર્મ વચ્ચે કેટલોક વિસંવાદ ધર્મ અને જીવન જીવવાની શૈલી વિશે રહ્યો છે. મોહમ્મદ અલી ઝીણા જયારે રૂટી નામની પારસી યુવતીના પ્રેમમાં પડેલા તો મોટો વિવાદ નહોતો થયેલો. પારસીઓ ઈરાનથી આવેલા હતા જયાં ઇસ્લામ ધર્મનું ય સહઅસ્તિત્વ હતું.

વળી ઝીણા સ્વયં તો તેમની આગલી પેઢીએ વૈષ્ણવ હિંદુ હતા. ઇન્દિરા, નહેરુ અને ફિરોઝ ગાંધી વચ્ચેના પ્રેમને વિચારો તો બે રાજકીય બૌદ્ધિક વ્યક્તિ વચ્ચેનો પ્રેમ હતો. અલબત્ત, નહેરુને વાંધો હતો. જાહેર જીવનની વ્યક્તિઓ માટે લગ્ન સંબંધ પણ જાહેર ઉદાહરણ બનતાં હોય છે એટલે તેઓ આ બાબતે ઘણી કાળજી રાખે છે. અરુણા-સફ અલી વચ્ચેનો પ્રેમ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ઊભરેલી એક નવ્ય, ઉદાર વિચારપ્રણાલીના પરિણામરૂપ હતો. ગાંધીજીએ પ્રેમસંબંધની પારંપારિક વ્યાખ્યા તોડી એક નવી ધારણા રજૂ કરી હતી. તેમના સમયમાં પ્રેમની જુદી જુદી વ્યાખ્યા સ્થાપનારા સંબંધો જોશો તો થશે કે પ્રેમ તો માનવીય મનને રૂપાંતરિત કરતું એક એવું તત્ત્વ છે જે વર્ગભેદ, ધર્મભેદ સમાજભેદ નથી જોતું. જયપ્રકાશ નારાયણ જેવાએ જ્યારે જોયું કે પત્ની બ્રહ્મચર્ય સ્વીકારી ચૂકી છે તો તેનો સ્વીકાર કરી, બંને વચ્ચે લગ્નસંબંધના જે અધિકારો હતા તેને સત્તામાં ફેરવ્યા નહોતા.

પ્રેમની કસોટીઓ કેવી હોય તે તો પ્રેમ કરનારા જ નક્કી કરી શકે. કેટલાક પ્રેમીઓ તેમના સંબંધોને ‘સ્ટોરી’માં ફેરવવા દેતાં નથી એટલે કસોટી પણ થવા દેતા નથી. જેમ કે ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી સીમાને પરણ્યા છે, જે હિંદુ છે પણ તેમણે ક્યારેય તેમના સંબંધને જાહેરમાં લવસ્ટોરીમાં ફેરવ્યો નથી. આપણા ગુજરાતના ચિત્રકાર ગુલામ મોહંમદ શેખ નીલિમાબહેનને પરણ્યા છે. જે હિંદુ છે. હરિવંશરાય બચ્ચનના બીજા લગ્ન શીખ ધર્મ પાળનારા તેજી બચ્ચન સાથે થયેલાં. આપણા બહુધર્મી દેશમાં અમુક ધર્મ પાળનારાં લોકો સામે મોટો વિરોધ નથી. ઇસ્લામ ધર્મ પાળનારાં લોકો સામે વિરોધ એટલા માટે પણ થતો હશે કે તેઓ ભારતમાં આક્રમક રીતે પ્રવેશેલા અને તલવારના જોરે અનેક હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવેલું પણ જ્યારે સૂકી શાયર લખે કે ‘છાપ-તિલક સબ છીની રે મો સે નૈના મિલાઈ કે’ ત્યારે તેમાં પ્રેમનો વિજય છે. રોજ નમાજ પઢનારના કપાળે એક છાપ પડી જાય છે જે ઇસ્લામની સૂચક છે અને કપાળે તિલક લેવું હિંદુત્વની ઓળખ છે. પ્રેમમાં એ બંનેની આંખો મળી પછી ન રહી પેલી છાપ, ન રહ્યું તિલક.

સબ છીન ગયા નૈના મિલનથી. પ્રેમની તાકાત આ જ તો છે! જો એવો પ્રેમ હોય તો કોઇ કોઇને ફરજ ન પાડે કે તારે મારા ધર્મનો સ્વીકાર કરવો પડશે. પ્રેમ સ્વયં જ એક ધર્મ છે તે બીજા ધર્મમાં પડે તો પ્રેમ ભ્રષ્ટ થઈ જાય છે. ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે કેટલાં લગ્નો થાય છે તેના સ્પષ્ટ આંકડા મળવા મુશ્કેલ છે. હકીકતે તો એવાં લગ્નોની ચર્ચા તેના પ્રમાણથી વધુ છે પણ એક આંકડો કહે છે કે 15 થી 19 વર્ષની વય વચ્ચેની મહિલાઓમાં આ પ્રકારે એટલે કે આંતરધર્મીય લગ્ન કરવાની ટકાવારી 2.21 ટકા છે. આ ઉંમર એવી છે જેમાં ધર્મ વિશે કોઇ પણ સ્પષ્ટ ખ્યાલ નથી હોતા. તે વખતે યૌવન પ્રવેશે અનુભવવાતું આકર્ષણ જ મુખ્ય હોય છે એવા લગ્ન થાય ત્યારે જ સમાજ વચ્ચે આવે છે. આમ થવું ખોટુંય નથી હોતું કારણ કે પ્રેમ ભલે બે વચ્ચેનો હોય પણ પછી તેમણે જીવવાનું તો એક આખી સામાજિક વ્યવસ્થામાં છે.

આવા પ્રેમસંબંધ શહેરમાં બને અને ગામડામાં બને તેમાંય ફરક પડી જતો હોય છે. ભારતમાં હિન્દુ અને ખ્રિસ્તી વચ્ચે થતાં લગ્નનું પ્રમાણ ૩.5 ટકા છે તો શીખ સાથે લગ્નનું પ્રમાણ 3.2 ટકા છે. તો હિંદુ-મુસ્લિમ વચ્ચે લગ્નનું પ્રમાણ આ બધાથી ઓછું છે. પંજાબમાં હાઇએસ્ટ મિકસ્ડ મેરેજ થાય છે 7.8 ટકા પણ ત્યાં થતાં લગ્નોની મોટી ચર્ચા નથી થતી. ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં હિંદુની સંખ્યા સામે મુસ્લિમોની સંખ્યા પણ મોટી છે અને તેમની વચ્ચે સંઘર્ષ પણ છે. પ્રેમસંબંધ થકી પણ બહાર આવે છે. બાકી ભૂખ ન જુએ ભાખરો, ઊંઘ ન જુએ સાથરો તેવું જ પ્રેમનું છે. પ્રેમીઓ એકબીજાની આંખમાં ધર્મ નથી શોધતા પ્રેમ શોધે છે. લવ જેહાદ શબ્દ લવ અને જેહાદને ભેગો કરી બનાવાયો છે. હકીકતે આ બંને એક સાથે હોઈ જ ન શકે, લવ હોય તો લવ જ હોય ને જેહાદ હોય તો જેહાદ. અત્યારના રાજકીય વિચારની પેદાશરૂપે આ લવ જેહાદ શબ્દ આવ્યો છે. ગયા સપ્ટેમ્બર મહિનામાં નીદા રહેમાનનો કિસ્સો બહાર આવ્યો હતો.

નીદા મુસ્લિમ હતી અને હિંદુ મોહનલાલ સાથે તેને સંબંધ હતો. બંને યુનિવર્સિટીમાં મળ્યાં હતાં પરંતુ નીદાના પરિવારે કહ્યું કે ઇસ્લામ ધર્મ ન પાળતો હોય એને તારા પતિ તરીકે અમે મંજૂર નહીં રાખીએ. નીદાનું કેવું હતું કે માણસ જો સારો હોય તો ધર્મ શા માટે વચ્ચે લાવવો જોઈએ? અને તે બંને પરણી ગયા. પરંતુ સમય જતાં તેને લવ જેહાદના કિસ્સા તરીકે જોવામાં આવ્યો. આમાં મોટો વિવાદ થયો પણ બિનસાંપ્રદાયિક ભારતમાં હિંદુમુસ્લિમ લગ્ન માન્ય છે.આવા વિવાદો થતાં રહેશે પણ તેનો મુકાબલો સાચા પ્રેમ કરનારા ઘણા સંઘર્ષ પછી પણ કરી લેશે. 2014માં આપણે ત્યાં 288 જેટલાં ઓનર કિલિંગના કેસ બહાર આવેલા હવે તેની પર નિયંત્રણ આવી ચૂક્યું છે. એક જુદા રાજકીય સમયમાં બે ધર્મ પાળનારા વચ્ચેનો પ્રેમ વિવાદમાં પડી શકે છે. હકીકતે તો પ્રેમ કરનારાઓની ઉંમર પણ જુઓ.

આજે લગ્નબાહ્ય સંબંધોનું પ્રમાણ મોટું થઈ ગયું છે અને તેમાં પ્રેમથી વધારે સેક્સ કેન્દ્રમાં હોય ત્યારે કોઈ ધર્મની વાત નથી કરતું. પ્રેમ કરનારા પ્રેમ કરે છે, સેક્સ કરનારા સેક્સ કરે ને જેહાદીઓ જેહાદ કરે છે. 1955માં જ્યારે હિંદુ મેરેજ એક્ટ આવ્યો તો તેમાં સ્પષ્ટ હતું કે છોકરા-છોકરી બંને હિંદુ જ હોવાં જોઇએ. હિંદુ લગ્નની વાત હોય તો એમ હોવું સહજ જ છે. પણ લગ્નની વાત અને પ્રેમની વાતની ભેળસેળ કરીએ ત્યારે આવા કાયદા-નિયમોની વાત થશે. ભારતમાં તો આમ પણ જાતિ જોઇને થતાં લગ્નની ટકાવારી 95 ટકા છે. ફક્ત 10 ટકા લગ્નોમાં જ ઇન્ટરકાસ્ટ યા ઇન્ટર રિલિજિયન હોય છે. ભારતમાં સૌથી વધુ ઈન્ટરકાસ્ટ મેરેજ મિઝોરમમાં થાય છે. પ્રેમ અને લગ્ન બંનેની વાત કરવાની આવે ત્યારે જુદા જુદા પ્રશ્નોની ચર્ચા કરવી પડે. એક કિસ્સો 37 વર્ષીય મુસ્લિમ વિજ્ઞાની વસીમ અને 33 વર્ષીય દેવતિમા દત્તાનો છે. બંને 16 વર્ષ પહેલાં એકબીજાના પરિચયમાં આવેલાં.

બંનેના લગ્નને 13 વર્ષ થઈ પણ ગયાં. વસીમનું કુટુંબ ઇચ્છતું હતું કે દેવતિમાએ ઇસ્લામ અંગીકાર કરી લેવો જોઈએ. દેવતિમાનું કુટુંબ આવી વાતના વિરોધમાં હતું. છેવટે બંનેએ ઘર છોડી દીધું. તેમણે સ્પેશ્યલ મેરેજ એક્ટ 1954 મુજબ લગ્ન કરેલા હતા કે જે ધર્મ પરિવર્તન વિના લગ્નનો અધિકાર આપે છે. વસીમ-દેવતિમા બે બાળકોનાં માતા-પિતા થયાં. 9 વર્ષના દીકરાનું નામ અંતારિક રહેમાન છે તો દીકરીનું નામ ઇપ્શિતા દત્તા છે. જ્યારે દીકરાના એડમિશનની વાત આવી ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે ભાઇ મુસ્લિમ ને બહેન હિંદુ કેવી રીતે હોઈ શકે? આખર વસીમે તેમના લગ્નનું સર્ટિફિકેટ બતાવ્યું ત્યારે એડમિશન થયું.
મતલબ પ્રેમ અને લગ્ન બંનેને ભેગા કરો ત્યારે સવાલો થવાના છે. પ્રેમ એ બે હૈયાંના આંતરધર્મ છે ને લગ્ન એ બાહ્યધર્મ છે. પ્રેમ કરનારા આ સમજે તો ઘણું સમજાઈ જશે. વેલેન્ટાઇન ડે હોય, વસંતપંચમી હોય તો પ્રેમની વાત થવી જોઇએ પણ આપણો સમાજ વસંતપંચમીને લગ્નના શ્રેષ્ઠ મુહૂર્ત તરીકે ખપાવે છે, બોલો શું કરવું?

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top