સુરત: ડુમસ બીચ પર પર્યટકોના ફોટા પાડીને પેટ ભરતા ફોટોગ્રાફરોની રોજી-રોટી પર સંકટ આવી પડ્યું છે. ખુલ્લેઆમ ગાંજો ફૂંકીને હેરાન કરતાં નશાખોર તત્ત્વો અને સ્થાનિક પોલીસની કથિત કાર્યવાહીથી કંટાળીને આજે ફોટોગ્રાફર રડતાં-રડતાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા અને લેખિત રજૂઆત કરી હતી. તેમનો આક્ષેપ છે કે, પોલીસ ખોટી રીતે કલમ-151 હેઠળ અટકાયત કરે છે, તડીપાર કરવાની ધમકી આપે છે અને નશાખોરોની ફરિયાદો એકતરફી સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે જેના પુરાવારૂપે તેમણે બનાવેલા વિડીયો પણ રજૂ કર્યા છે.
- ગાંજો ફૂંકનાર અને પોલીસ ફોટોગ્રાફરને હેરાન કરતાં હોવાનો આક્ષેપ
- રડતા-રડતા કલેક્ટરને રજૂઆત, પુરાવારૂપે વિડીયો આપ્યા
- ફરિયાદ કરે તો પોલીસ તડીપારની ધમકી આપતા હોવાનો આક્ષેપ
ફોટોગ્રાફરોએ માત્ર પોલીસ જ નહીં પરંતુ, બીચ પરના કેટલાક તત્ત્વો સામે પણ આંગળી ચીંધી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ડુમસ બીચ પર કેટલાક લોકો ખુલ્લેઆમ ગાંજાનું વ્યસન કરે છે અને ફોટોગ્રાફરો સાથે મારામારી પણ કરે છે, તેમ છતાં પોલીસ એકતરફી રજૂઆત સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે. થોડા દિવસો પહેલાં ફોટોગ્રાફરે આવી જ એક ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે સતત 5 દિવસ સુધી ફોટોગ્રાફરને બીચ પર કામ અર્થે જવા દેવામાં આવ્વ્યો ન હતો.
ફોટોગ્રાફર મુકેશ રાવલે કહ્યું કે, અમે ત્યાં ધંધો કરવા જઈએ છીએ તો કેટલા લોકોના કહેવા અનુસાર પોલીસ હેરાન કરે છે અને 151 મુજબ અટકાયત કરી લેવાય છે. ફોટોગ્રાફર રોજીરોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી. રોજીરોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા ફોટોગ્રાફરોની એક જ માંગ છે કે પોલીસની ખોટી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને તેમને ડુમસ બીચ પર કાયદેસર રીતે કામ કરવા દેવામાં આવે. પુરાવા રૂપે લીધેલા કેટલાક વિડીયો પણ કલેક્ટરને આપ્યા હતા.
તમે મારવાડી છો તો રાજસ્થાન જઈને કામ કરો
ફોટો ગ્રાફર 25 વર્ષથી ફોટોગ્રાફીનું કામ કરી રહ્યો છું. મારા ગામની જમીન મકાન બધું વેચીને અહીંનો સ્થાનિક બન્યો છું. પોલીસ કહે છે કે તમે મારવાડી છો તો રાજસ્થાન જઈને કામ કરો. ફોટોગ્રાફીનું કામ ચાલતા ચાલતા થાય એવું છે તો તેમાં શું લખાણ આપવાનું હોય. અમારી પાસે લખાણ માગવામાં આવે છે અને બીજા બધા ધંધા કરનાર પાસેથી પણ કોઈ લખાણ માંગવામાં આવતું નથી.