સુરત: જિલ્લા કોર્ટની ચૂંટણી માટે ઉમેદવારો પર આ વર્ષે મોંઘવારીનો સીધો પ્રહાર થયો છે. ચૂંટણી પ્રક્રિયામાં વપરાતા જરૂરી સામાનના ખર્ચામાં વધારો થતા ઉમેદવારોએ જમા કરાવવાની ફી પણ વધારી દેવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, મતદાર યાદીઓ તૈયાર કરવાનું કામ, બેલેટ પેપરની છપાઈ, સ્ટેશનરી સામાન અને અન્ય મતદાન સંબંધિત સામગ્રીઓના ખર્ચામાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવાયો છે. જેનું આજે ઠરાવ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
- મતદાતાની સંખ્યા ૪૯૦૦થી વધીને 6720, ચૂંટણી કમિશનરની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે
ડિસેમ્બર મહિનામાં યોજાનારી સુરત જિલ્લા કોર્ટની ચૂંટણીમાં ઉમેદવારોને હવે વધુ ફી ચૂકવવી પડશે. ખાસ વાત એ છે કે રાજ્યભરમાં સુરત કોર્ટની ફી અત્યાર સુધી સૌથી ઓછી માનવામાં આવે છે, પરંતુ વધતા ખર્ચને કારણે આ વર્ષે તેમાં ફેરફાર અનિવાર્ય બન્યો છે. ચૂંટણીની પ્રક્રિયા વધુ વ્યાપક બનતા ખર્ચમાં વધારો થયો છે અને તેનાથી ઉમેદવારોને વધારાનો આર્થિક ભાર સહન કરવો પડશે એવું સ્પષ્ટ બન્યું છે. સુરત વકીલ મંડળની ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી કમિશનરની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે.
આ વર્ષે અંદાજે 1800 મતદાર વધ્યા, ગણતરી માટે 20 જેટલા કર્મચારી વધશે
મહત્વનું એ છે કે, ગયા વર્ષે સુરત જિલ્લામાં અંદાજે 4900 જેટલા મતદાતા નોંધાયા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધીને લગભગ 6720 થઈ ગઈ છે. મતદારોની સંખ્યા વધતા મત ગણતરીની પ્રક્રિયા માટે જરૂરી કર્મચારીઓની સંખ્યા પણ વધારવી પડી છે. ગયા વર્ષે મત ગણતરી માટે લગભગ 60 જેટલા કર્મચારીઓની ડ્યુટી લગાવવામાં આવી હતી જ્યારે આ વર્ષે એ સંખ્યા વધીને 80 જેટલી થઈ જશે.
કયા ઉમેદવારે કેટલી ડિપોઝિટ ભરવી પડશે
હોદ્દો-ગયા વર્ષની ડિપોઝિટ- આ વર્ષની ડિપોઝિટ
પ્રમુખ-20,000-30,000
ઉપ પ્રમુખ- 15,૦૦૦-25,૦૦૦
મંત્રી-1૦,૦૦૦-2૦,૦૦૦
સહ મંત્રી-75૦૦-15૦૦૦
ખજાનચી-75૦૦-15૦૦૦
એલ.આર-75૦૦-15૦૦૦
મેમ્બર-35૦૦-5૦૦૦