ભારત અને અમેરિકાની વચ્ચે મહત્વપૂર્ણ લશ્કરી સોદો થવા જઈ રહ્યો છે. યુએસ રાષ્ટ્રપતિએ ભારતને અદ્યતન જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઇલ અને એક્સકેલિબર આર્ટિલરી રાઉન્ડ વેચવાનો 47.1 મિલિયન ડોલરનો સોદો મંજૂર કર્યો છે. આ સોદાની માહિતી ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી (DSCA) એ અમેરિકી કોંગ્રેસને આપી છે. આ ખરીદી ભારતની લશ્કરી શક્તિમાં મોટો વધારો કરશે.
DSCA ના જણાવ્યા મુજબ અમેરિકા ભારતને 100 FGM-148 જેવેલિન મિસાઇલો, 25 કમાન્ડ-લોન્ચ યુનિટ્સ, 216 એક્સકેલિબર પ્રિસિઝન આર્ટિલરી રાઉન્ડ અને અન્ય જરૂરી સાધનો વેચશે. સાથે જ તાલીમ, સ્પેર પાર્ટ્સ અને જીવનચક્ર સપોર્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સોદામાં શું મળશે?
સૂચના મુજબ ભારતમાં કુલ 100 જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઇલ, એક ‘ફ્લાય-ટુ-બાય’ મિસાઇલ, 25 હળવા કમાન્ડ લોન્ચ યુનિટ્સ (LwCLU) તેમજ 216 M982A1 એક્સકેલિબર રાઉન્ડ ખરીદવાની વિનંતી કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ સોદાને મંજૂરી આપી છે. આ સાથે ભારતને આ સાધનો પોતાના સૈન્યમાં સામેલ કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે તેવું પણ DSCAએ જણાવ્યું છે.
પ્રદેશના સંતુલન પર અસર નહીં
DSCA અનુસાર આ સોદો ભારતની રક્ષા ક્ષમતામાં વધારો કરશે પરંતુ પ્રદેશની લશ્કરી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં કરે. આ સોદો અમેરિકા અને ભારત વચ્ચે વધતા વ્યૂહાત્મક સહકારનું એક મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ કરે છે.
જેવેલિન મિસાઇલ શું છે?
FGM-148 જેવેલિન દુનિયાની સૌથી અદ્યતન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ્સમાંની એક છે. લોકહીડ માર્ટિન અને RTX દ્વારા વિકસાવવામાં આવેલી આ મિસાઇલ ‘ફાયર-એન્ડ-ફોર્ગેટ’ ટેક્નોલોજી પર કાર્ય કરે છે. એટલે કે મિસાઇલ એકવાર ફાયર કરી દેતા જ સૈનિકને લક્ષ્ય પર નજર રાખવાની જરૂર રહેતી નથી. મિસાઇલ પોતે જ લક્ષ્ય શોધી તેને ભેદે છે. આ ટેન્કો, આર્મર્ડ વાહનો તેમજ મજબૂત બંકર જેવા ટાર્ગેટોને નષ્ટ કરવામાં અત્યંત અસરકારક માનવામાં આવે છે.
એક્સકેલિબર આર્ટિલરી રાઉન્ડની વિશેષતા
M982A1 એક્સકેલિબર રાઉન્ડ GPS-ગાઇડેડ પ્રિસિઝન આર્ટિલરી પ્રોજેક્ટાઇલ છે. તે લાંબા અંતર સુધી ખૂબ ચોક્કસતા સાથે લક્ષ્ય ભેદી શકે છે. યુદ્ધક્ષેત્રમાં તેની અસરકારકતાને કારણે અનેક દેશોની સેનામાં તેનો ઉપયોગ થાય છે.
આ સમગ્ર સોદો ભારતની આધુનિક યુદ્ધક્ષમતા અને રક્ષણક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. અમેરિકા સાથે વધતા વ્યૂહાત્મક સહકારનું આ એક વધુ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.