National

UPમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થી-મૌલવીની તમામ વિગતો ATSને આપવી ફરજિયાત

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ યુપી સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મદરેસાઓ માટે કડક નિયમો લાગુ કર્યા છે. હવે રાજ્યની દરેક મદરેસાએ તેમના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ માહિતી ATSમાં જમા કરાવવી ફરજિયાત રહેશે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી રાજ્યમાં વધુ સતર્ક કરવા માટે મદરેસાઓ પર નવી ફરજિયાત ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઇન મુજબ યુપીની તમામ મદરેસાઓ ભલે તે માન્યતા પ્રાપ્ત હોય કે બિન-માન્યતા પ્રાપ્ત હવે પોતાના અહીં કામ કરતા તમામ મૌલવી અને ભણતા વિદ્યાર્થીઓની વ્યક્તિગત વિગતો એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને આપવી પડશે.

શું છે નવો નિયમ?
આદેશ મુજબ મદરેસાઓએ મૌલવી અને શિક્ષકોના કાયમી સરનામા, મોબાઇલ નંબર, આધાર કાર્ડની વિગતો અને અન્ય ઓળખ દસ્તાવેજોની નકલ ATSને સોંપવી ફરજિયાત છે. સાથે જ મદરેસાઓમાં ભણતા તમામ વિદ્યાર્થીઓની યાદી પણ તૈયાર કરવાની રહેશે જેમાં વિદ્યાર્થીઓનું નામ, વાલીનું નામ, મોબાઇલ નંબર અને નિવાસ માહિતીનો સમાવેશ કરાશે.

યોગી સરકારનું કહેવું છે કે આ પ્રક્રિયા માત્ર માહિતી એકત્રિત કરવાની નથી પરંતુ સુરક્ષાથી સંબંધિત એક મહત્વનું પગલું છે. જેથી શંકાસ્પદ તત્વોને સમયસર ઓળખી શકાય છે.

યુનિવર્સિટીઓ પણ તપાસ હેઠળ
દિલ્હી બ્લાસ્ટ બાદ તપાસનો દાયરો હવે યુનિવર્સિટીઓ સુધી પહોંચ્યો છે. લખનઉની ઇન્ટિગ્રલ યુનિવર્સિટી ત્યારે ચર્ચામાં આવી જ્યારે અહીના એક શિક્ષક પરવેઝ અન્સારીનું નામ બ્લાસ્ટની તપાસમાં જોડાયું. ત્યારબાદ ગુપ્તચર એજન્સીઓએ યુનિવર્સિટીઓને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

  • જમ્મુ-કાશ્મીરથી આવેલા તમામ પ્રોફેસરોની ઓળખ અને દસ્તાવેજો ATSને આપવા
  • જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓના સંપૂર્ણ રેકોર્ડ જમા કરાવવા
  • વિદેશી વિદ્યાર્થીઓની વિગતો, અભ્યાસક્રમ અને તેમની સંપૂર્ણ માહિતી રજૂ કરવી

તપાસ એજન્સીઓનું કહેવું છે કે આ પગલું કોઈ ખાસ સંસ્થા વિરુદ્ધ નથી પરંતુ રાજ્યની કુલ સુરક્ષા મજબૂત બનાવવા માટે જરૂરી છે. જેથી સંભવિત જોખમોને શરૂઆતથી જ અટકાવી શકાય.

યુપી સરકારનું આ પગલું દેશમાં આંતરિક સુરક્ષાને પ્રાથમિકતા આપતી નીતિનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top