હરણી વારસિયા રિંગ રોડ પર લોકો વિફર્યા, ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો :
કેબિનમાંથી દેશી દારૂની ખાલી પોટલીઓ મળી આવી, લોકોએ પોલીસને હવાલે કર્યો :
( પ્રતિનિધી )વડોદરા,તા.19
વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર મોડી રાત્રે વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ટેમ્પોના ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હતા.અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવને પગલે પોલીસે ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાને પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેમ્પોના ચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો. ચાલક મુન્ના ભુરાભાઈ મેઢા ઉ.વ. 29 હાલ રહે મહાકાળી મંદિરની સામે આવેલ ઝૂંપડામાં, આરસીસી રોડ ગાજરાવાડી વડોદરા મૂળ રહે,એમપી ચિક્કાર દારૂ પીધેલો હતો. તેણે પુરપાટ ઝડપે પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને બંનેને ફંગોડિયા બાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી હતી જેથી ટેમ્પો પણ દૂર સુધી ધસડાયો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને ફંગોડયા હતા. જે બાદ રોડ બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી હતી. અકસ્માતની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
