ઘરે ઘરે લોકો ઝાડા ઉલટીના રોગની ચપેટમાં આવી ગયા હોવાના આક્ષેપ :
ચોખ્ખુ પાણી નહિ મળે તો ડ્રેનેજ મિશ્રિત પાણી અધિકારીઓને પીવડાવવા ચીમકી :
( પ્રતિનિધી )વડોદરા,તા.16
વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી અને નીલકંઠ નગરમાં પીવાના શુદ્ધ પાણીની જગ્યાએ ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે. પીવાનું પાણી ગટરમાં વહે છે અને ગટરનું પાણી ઘરમાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં રોગચાળો વધી ગયો છે. કોર્પોરેશનને જાણ કરી હોવા છતાં પણ કઈ પણ કાર્યવાહી થતી નથી. ત્યારે, હવે લોકોએ મોરચો માંડી કોર્પોરેશમાં હલ્લા બોલ કરવા સાથે અધિકારીઓને બ્લેક વોટર પીવડાવવા તૈયારી કરી લીધી છે.

અટલાદરાની પ્રમુખસ્વામી કુટીર સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ડ્રેનેજ મિશ્રિત અને એકદમ ગંદુ આવી રહ્યું છે. જ્યારે એની બિલકુલ બાજુની સોસાયટીમાં આવી રહેલું ચોખ્ખું પાણી ગટરમાં વહી જઈ રહ્યું છે. એટલે ગટરનું પાણી ઘરમાં જાય છે અને ઘરનું પાણી ગટરમાં જઈ રહ્યું છે. કોર્પોરેશનના અણગઢ વહીવટનો નમૂનો જોવા મળ્યો છે.

અહીં, સોસાયટીના રહીશો રોડની પણ માંગણી કરીને થાકી ગયા છે, પણ આજ દિન સુધી રોડ બન્યો નથી. ત્યારે, હવે આ બીજી પાણીની તકલીફ પણ આપી દીધી છે અને અધિકારીઓને પણ હવે શરમ રહી નથી તેવા આક્ષેપ રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. રહીશોના કહ્યા મુજબ છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થઈ રહ્યું છે.

કોર્પોરેશનમાં પણ જાણ કરી તો ખાડો ખોદીને જતા રહ્યા છે. આગળ કશું કર્યું નથી. કોઈ પણ યોગ્ય નિકાલ આવતો નથી. ફરિયાદ કરીને હવે થાકી ગયા છીએ. લોકોના ઘરોમાં બ્લેક વોટર આવી રહ્યું છે. ડોક્ટરોની દુકાન ચાલે એવું કોર્પોરેશને કામ કરી આપ્યું છે. ગંદુ પાણી આવવાના કારણે બીમારી ઘર કરી ગઈ છે. આજે ઘરે ઘરે લોકો ઝાડા ઉલટી જેવા રોગોમાં સપડાયા છે. જો વહેલી તકે નિરાકરણ કરવામાં નહીં આવે તો આ જ બ્લેક વોટર ભરીને કોર્પોરેશનમાં આવી અને અધિકારીઓને પીવડાવીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.