રાજસ્થાનના જોધપુર-બાલેસર હાઇવે પર આજ રોજ વહેલી સવારે ભયાનક રોડ અકસ્માત થયો. રામદેવરા દર્શન કરવા જઈ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓના ટેમ્પો ટ્રેલર સાથે અથડાતા 6 લોકોના મોત થયા અને 14 લોકો ઘાયલ થયા.
રાજસ્થાનના જોધપુર-બાલેસર નેશનલ હાઇવે પર આજ રોજ તા. 16 નવેમ્બર રવિવારે વહેલી સવારે એક ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત બન્યો. ગુજરાતના બનાસકાંઠા અને ધનસુરા જિલ્લાથી રામદેવરા દર્શન માટે જઈ રહેલા લગભગ 20 શ્રદ્ધાળુઓ ટેમ્પોમાં સવાર હતા. સવારે લગભગ 5 વાગ્યે ખારી બેરી ગામ નજીક ટેમ્પો અનાજથી ભરેલા ટ્રેલર સાથે જોરદાર અથડાયો. અથડામણ એટલી ભારે હતી કે ઘટનાસ્થળે જ ત્રણ મહિલાઓના મોત થયા.
બાલેસર પોલીસ સ્ટેશનના અધિકારી મૂળસિંહ ભાટીએ જણાવ્યું કે ટેમ્પો જોધપુર તરફ જઈ રહ્યો હતો ત્યારે સામે થી આવી રહેલા અનાજ ભરેલા ટ્રેલર સાથે તેની સીધી ટક્કર થઈ. ટક્કરથી ટેમ્પોનો આગળનો ભાગને ખુબ જ નુકસાન થયું અને અનેક લોકો અંદર જ ફસાઈ ગયા. સ્થાનિક લોકો અને પોલીસે મળીને બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલોને તાત્કાલિક બાલેસર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
મૃતકોની સંખ્યા બાદમાં વધી પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ લોકોને જોધપુરની મથુરાદાસ માથુર (MDM) હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. ત્યાં વધુ ત્રણ લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો. અત્યાર સુધી કુલ 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. હોસ્પિટલના અધિક્ષક ડૉ. વિકાસ રાજપુરોહિતે જણાવ્યું કે 14 ઘાયલો સારવાર હેઠળ છે. જેમાંથી કેટલાકની હાલત ચિંતાજનક છે.
હોસ્પિટલમાં થયેલા મોતમાં 3 વર્ષીય બાળકી નવ્યા, 40 વર્ષીય ભૂપત સિંહ અને 60 વર્ષીય કાશિયા બાઈનો સમાવેશ થાય છે. ઘટના પછી સમગ્ર બનાસકાંઠા અને ધનસુરા વિસ્તારમાં શોક અને પીડાનું વાતાવરણ છે. મૃતકો અને ઘાયલોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા ઘટનાસ્થળે સીસીટીવી ફૂટેજ અને વાહનોની સ્થિતિના આધારે અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ ઓવરસ્પીડિંગ અથવા બેદરકારી કારણ હોઈ શકે છે.
આ ઘટના ફરીથી યાદ અપાવે છે કે લાંબી યાત્રા દરમિયાન સાવચેતી અને ટ્રાફિક નિયમોનું પાલન કેટલું જરૂરી છે. રામદેવરા જતા શ્રદ્ધાળુઓ માટેનો આ સફર દુર્ઘટનામાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે.