National

MP: ગ્વાલિયરમાં ભયાનક રોડ અકસ્માત, ફોર્ચ્યુનર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે ટક્કર થતાં 5 લોકોના મોત

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજ રોજ વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. ફોર્ચ્યુનર કાર અને રેતી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ લોકોના ઘટનાઓસ્થળે જ મોત થયા.

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ગ્વાલિયર-ઝાંસી હાઇવે પર આજ રોજ સવારે લગભગ 6.30 વાગ્યાની આસપાસ ગંભીર માર્ગ અકસ્માત બન્યો. માલવા કોલેજની સામે ફોર્ચ્યુનર કાર રેતી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે જોરદાર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા પરંતુ અથડામણ એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ ફોર્ચ્યુનર કાર ડાબરાથી ગ્વાલિયર તરફ આવી રહી હતી ત્યારે ટ્રેક્ટર ટ્રોલી સાથે તેની સીધી ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભારે હતી કે કારમાં સવાર કોઈપણ વ્યક્તિ બચી શક્યો નહીં.

ગ્વાલિયરના સીએસપી હીના ખાનએ જણાવ્યું કે કંટ્રોલ રૂમને સવારે અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે કારમાં પાંચ મિત્રો સફર કરી રહ્યા હતા. તમામનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીએસપીના જણાવ્યા મુજબ પ્રાથમિક તારણોમાં લાગે છે કે ફોર્ચ્યુનર કાર અનિયંત્રિત થઈ ટ્રેક્ટર સાથે અથડાઈ હોઈ શકે છે.

આ ઘટનાએ વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાવી દીધો છે. પોલીસ દ્વારા ટ્રેક્ટર ટ્રોલી અને કાર બંનેને કબ્જે લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતના સાચા કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ, ટાયર માર્ક્સ અને સ્થાનિક લોકોના નિવેદનો લઈ તપાસ ચાલી રહી છે.

ભારતમાં દરરોજ મોટા પ્રમાણમાં માર્ગ અકસ્માતો થાય છે. જેમાં વધારે પડતા કિસ્સાઓમાં બેદરકારી, ઓવરસ્પીડિંગ અને ટ્રાફિક નિયમોની અવગણના મુખ્ય કારણ બને છે. નિષ્ણાતો સતત અપીલ કરે છે કે વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી, ગતિ નિયંત્રિત રાખવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જીવન બચાવી શકે છે.

ગ્વાલિયરમાં બનેલી આ ઘટના ફરીથી યાદ અપાવે છે કે રસ્તા પર એક ક્ષણની બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top