બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોતીપુર વિસ્તારમા ગત રોજ મોડી રાત્રે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત થયા છે. તેમજ અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને સારવાર હેઠળ છે.
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મોતીપુર નગર પરિષદના વોર્ડ નંબર 13માં ગત રાત્રે એક દુખદ ઘટના બની હતી. ગેના સાહના ઘરમાં થયેલા વીજળીના શોર્ટ સર્કિટથી ભડકેલી આગથી આખું ઘર સળગી ઉઠ્યું હતું. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યો જીવતા સળગી ગયા જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમને તરત જ શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલ (SKMCH) ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું વાતાવરણ છે.
સ્થાનિક સુત્રો અનુસાર આગ લાગતી વખતે પરિવારના તમામ સભ્યો ઘરે સૂતા હતા. રાત્રિના શાંતિ વચ્ચે કોઈને આગ લાગ્યાની જાણ પણ ન થઈ હતી. પડોશીઓએ ધુમાડો અને આગની લપેટો જોયા બાદ બૂમાબૂમ કરી પરિવારને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધી પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટ બાદ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘરના અંદર રહેલા લોકો બહાર નીકળી શક્યા નહીં. ભારે જહેમત બાદ પણ અંદર ફસાયેલા લોકોને બચાવી શક્ય નહોતા.
મૃતકોમાં બે નાના બાળકો, તેમના માતા-પિતા અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઘટનાએ સૌના હૃદયને હચમચાવી દીધા છે. ફાયર બ્રિગેડ અને મોતીપુર પોલીસની ટીમે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. છતાં પરિવારના પાંચ સભ્યોને બચાવી શકાયા નહીં.
સ્થાનિક ડીએસપી વેસ્ટ સુચિત્રા કુમારીએ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે આ ઘટના શોર્ટ સર્કિટને કારણે બની છે. ડીએમ સુબ્રત કુમાર સેને ઘાયલોની સારવારમાં કોઈ કચાશ ન રહે તેવા નિર્દેશ આપ્યા છે. પોલીસ અને પ્રશાસનની ટીમે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
મોતીપુર વિસ્તારમાં આ દુર્ઘટનાએ ભારે શોક વ્યાપ્યો છે અને લોકોમાં સુરક્ષા અંગે ચિંતાઓ વધી છે.