બિહાર વિધાનસભાની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાયો છે. જીતની ખુશીના માહોલ વચ્ચે પ્રધાનમંત્રીએ સુરત શહેરના બિહારના વતનીઓને વ્યક્તિગત અભિવાદન આપવા ખાસ નિર્ણય લીધો છે. બિહારની સફળતા પછી PM મોદી દ્વારા આ પ્રથમ જાહેર ‘આભાર સંબોધન’ માનવામાં આવી રહ્યું છે.
- સુરત એરપોર્ટ પર 10–15 હજાર બિહારવાસીઓ કરશે સ્વાગત; સી.આર. પાટીલ–હર્ષ સંઘવીની રજૂઆત બાદ PMએ છેલ્લી ઘડીએ કાર્યક્રમ બદલ્યો
મળતી માહિતી મુજબ, સી.આર. પાટીલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રીને રજૂઆત કરી હતી કે સુરતમાં રહેલા મોટી સંખ્યાના બિહારવાસીઓ બિહાર વિજયને લઈને અત્યંત ઉત્સાહિત છે અને PMને અભિવાદન કરવા માંગે છે. રજૂઆત સાંભળીને પ્રધાનમંત્રીએ તરત જ સહમતિ આપી દીધી હતી.
આ નિર્ણય બાદ હવે પ્રધાનમંત્રી આજે સાંજે સુરત એરપોર્ટ બહાર ખાસ આયોજન હેઠળ બિહારના લોકો વચ્ચે આવશે. અંદાજે 10 થી 15 હજાર બિહારના વતનીઓ પ્રધાનમંત્રીના સ્વાગતમાં જોડાશે.
આ મુલાકાતને રાજકીય રૂપે ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. બિહાર વિજય પછી PM દ્વારા સુરતના બિહારવાસીઓને કરાયેલ સીધો સંદેશ માત્ર ચૂંટણીની સફળતાનું આભાર નથી, પરંતુ 2026 અને ત્યારપછીની રાજકીય ગણિતને ધ્યાનમાં રાખીને ‘ડાયાસ્પોરા કનેક્શન’ મજબૂત કરવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.