Sukhsar

સુખસરના ઘાણીખુટમાં માતાએ પાંચ વર્ષના પુત્ર સાથે કુવામાં ઝંપલાવતા માતા-પુત્રના મોત

માતા સાથે કુવા ઉપર ગયેલી સાત વર્ષીય પુત્રી માતાના હાથમાંથી છટકી ભાગી છુટતા બચી ગઈ


( પ્રતિનિધિ ) સુખસર,તા.14
સુખસર તાલુકામાં અવાર-નવાર આત્મહત્યાના બનાવો પ્રકાશમાં આવે છે.તેવી જ રીતે આજરોજ સવારના છ વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણોસર ઘાણીખુટ ગામની પરિણીતા આત્મહત્યા કરવાના ઇરાદે પોતાના બે બાળકો સાથે કુવા ઉપર પહોંચી હતી. સાત વર્ષીય પુત્રી માતાના હાથમાંથી છટકી ભાગી છૂટતા પાંચ વર્ષીય પુત્ર સાથે માતાએ કૂવામાં ઝંપલાવી દીધું હતું. માતા-પુત્રના મોત નીપજતા તાલુકા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ સુખસર તાલુકાના ઘાણીખુટ ગામના રાકેશભાઈ ખુમાભાઇ કટારાના બાર વર્ષ અગાઉ તાલુકાના જ વાંસિયાકુઈ ગામના જગજીભાઈ જોતીભાઈ પગીની પુત્રી સંગીતાબેન ( ઉંમર વર્ષ આશરે 26 ) સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા. સંગીતાબેનને સંતાનમાં પાંચ વર્ષીય પુત્ર નામે તેજસ કુમાર તથા પુત્રી પ્રિયાબેન ઉંમર વર્ષ આશરે સાત, રાજી ખુશીથી ઘર સંસાર ચલાવી રહ્યા હતા.જ્યારે રાકેશભાઈ ખેત મજૂરી તથા પોતાની રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ ગુરૂવારના રોજ સાંજના રીક્ષા લઇ ક્યાંક વર્ધીમાં ગયા હતા.જ્યારે સંગીતાબેન તથા બે બાળકો ઘરે હતા.ત્યારે સંગીતાબેને કોઈક અગમ્ય કારણોસર આજરોજ સવારના છ વાગ્યાના અરસામાં કૂવામાં ઝંપલાવવાના મક્કમ ઇરાદાથી પોતાના બે બાળકો સાથે મકાનથી થોડે દૂર આવેલા કુવા ઉપર ગયા હતા.જ્યાં પરિસ્થિતિને પામી ગયેલી સાત વર્ષીય પુત્રી પ્રિયાબેન માતાના હાથમાંથી છટકી ભાગી છૂટી હતી.જ્યારે માતા સંગીતાબેને પુત્ર તેજસને લઈ કુવામાં ભુસ્કો માર્યો હતો.અને ભાગી છૂટેલી પ્રિયાએ આ ઘટનાની વાત ઘરે જઈ જણાવતા આસપાસ માંથી લોકો કુવા ઉપર દોડી આવ્યા હતા.પરંતુ ત્યાં સુધી સંગીતાબેન કુવાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.જ્યારે તેજસની લાશ કૂવાના પાણીમાં તરતી જોવા મળી હતી.મૃતક સંગીતાબેને કયા કારણોસર પોતાના નાના બાળકો સાથે અંતિમ પગલું ભરવા મજબૂર બન્યા તે એક તપાસનો વિષય છે.
નોંધનીય છે કે ચાળીસેક ફૂટ જેટલા ઊંડા કૂવામાં મૃતક સંગીતાબેનની લાશ કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ઉપરોક્ત ઘટનાની જાણ થતા સુખસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક મહિલાએ કયા કારણોસર પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું છે તેની ઝીણવટપૂર્વક તપાસ ચલાવી રહી છે.

Most Popular

To Top