મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજ રોજ શુક્રવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એક કાર ખાડામાં પડી જતાં પાંચ લોકોના મોત થયા.
મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ભીમપુરા ગામ પાસે આજ રોજ તા. 14 નવેમ્બર શુક્રવારની સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો. દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલી ઝડપી કાર અચાનક કાબુ ગુમાવીને એક્સપ્રેસ વેની બાજુના ખાડામાં ખાબકાઈ ગઈ. આ ઘટનામાં કારમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. મૃતકોમાં એક 15 વર્ષનો બાળક પણ સામેલ હોવાનું પોલીસે જણાવ્યું છે.
અહેવાલો પ્રમાણે આ અકસ્માત આજ રોજ તા. 14 નવેમ્બર સવારે અંદાજે 8 વાગ્યાની આસપાસ બન્યો હતો. રાવતીથી લગભગ 10 કિલોમીટર દૂર માહી નદીના પુલની બરાબર પહેલાં MH 03 EL 1388 નંબરની કાર ઝડપથી જઈ રહી હતી. આ દરમ્યાન કારનું સંતુલન બગડયું અને વાહન સીધું ઊંડા ખાડામાં જઈને પટકાયું હતું.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ રાવતી પોલીસ સ્ટાફ અને હાઇવે પેટ્રોલીંગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પાંચેય મૃતદેહોને બહાર કાઢીને મેડિકલ કોલેજ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.
સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) સુરેન્દ્ર સિંહ ગડારિયાએ માહિતી આપતા કહ્યું કે તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં વાહનની વધુ ઝડપને અકસ્માતનું મુખ્ય કારણ મનાવવામાં આવી રહ્યું છે. જોકે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
પોલીસે વાહન ચાલકોને ઝડપ નિયંત્રણમાં રાખવાની અને ખાસ કરીને એક્સપ્રેસ વે પર સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ કરવાની અપીલ કરી છે. આ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે.