પંજાબમાં ફરી એક વાર ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે. શીખ કેદીઓની મુક્તિની માંગ સાથે કૌમી ઈન્સાફ મોરચા અને ખેડૂત સંગઠનોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. સુરક્ષા કારણે આજ રોજ તા. 14 નવેમ્બર શુક્રવારે શંભુ બોર્ડર સવારે 7થી સાંજે 6:30 સુધી બંધ રાખવામાં આવ્યું છે.
ખેડૂતોની મોટી જાહેરાત: દિલ્હી તરફ કૂચ કરીશું
સજા પૂર્ણ કરી ચૂકેલા શીખ કેદીઓની મુક્તિની માંગને લઈને કૌમી ઈન્સાફ મોરચા તેમજ અનેક ખેડૂત સંગઠનો દ્વાર દિલ્હી તરફ કૂચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કૂચમાં દિલ્હીના ગુરુદ્વારા સાહિબ ખાતે વિશેષ પ્રાર્થના કાર્યક્રમનું આયોજન પણ છે. જો કે આ વિરોધ કૂચ માટે પંજાબ અને હરિયાણા વહીવટીતંત્ર દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી નથી.
શંભુ બોર્ડર પર ભારે ભીડ-પોલીસ એલર્ટ પર
આજ રોજ શુક્રવારે સવારે 9થી 10 વાગ્યાના વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો શંભુ બોર્ડર પર ભેગા થવા લાગ્યા. અહીંથી તેઓ દિલ્હી તરફ આગળ વધવાની યોજના બનાવી રહ્યા છે. આ કારણે પંજાબ અને હરિયાણા બંને બાજુ ભારે સુરક્ષા ગોઠવાઈ છે.
- પંજાબ પોલીસે શંભુ બોર્ડર પર 125 બેરિકેડ્સ લગાવ્યા છે
- 500થી વધુ પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત છે
- રાષ્ટ્રીય હાઇવે પર સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવી રહ્યું છે
ખેડૂતોના કૂચને રોકવા માટે બન્ને રાજ્યોના બોર્ડર પોઈન્ટ્સ પર લોખંડી બેરિકેડ્સ, કાંટાળી તાર અને ભારે પોલીસ ફોર્સ તૈયાર રાખવામાં આવી છે.
શંભુ બોર્ડર બંધ: વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા
શંભુ બોર્ડર આખો દિવસ બંધ હોવાથી મુસાફરોને ભારે અસરો પડી રહી છે. પટિયાલા જિલ્લા વહીવટીતંત્રે પંજાબથી હરિયાણા જનારાઓ માટે કેટલાક વૈકલ્પિક માર્ગ જાહેર કર્યા છે:
- ફતેહગઢ સાહિબ → લાંડ્રાણ → એરપોર્ટ ચોક
- મોહાલી → ડેરા બસ્સી → અંબાલા
- રાજપુરા → બાનુર → ઝીરકપુર → ડેરા બસ્સી → અંબાલા
- રાજપુરા → ઘન્નૌર → અંબાલા → દિલ્હી હાઇવે
- પટિયાલા → ઘન્નૌર → અંબાલા → દિલ્હી હાઇવે
- બાનુર → મનૌલી સુરત → લેહલી → લાલરુ → અંબાલા
વહીવટીતંત્રે ખાસ ચેતવણી આપી છે કે રાજપુરા શહેર અને રાજપુરા–ઝીરકપુર રોડ પર ટ્રાફિક જામ થવાની શક્યતા વધારે છે.
પરિસ્થિતિ પર સતત નજર
ખેડૂત આંદોલન ફરી ગતિ પકડતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. હાલ શંભુ બોર્ડર પર પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે. પોલીસે મુસાફરોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.