ઉત્તમ પરિણામ ધરાવતા 47 વિદ્યાર્થીઓને સીયુજી પદકથી સન્માનિત કરવામાં આવશે :
સુવર્ણ પદકો અનુક્રમે વિદ્યાદેવી અગ્રવાલ, શાંતા કરિસિદ્ધપ્પા અને કવિ પિનાકિન ઠાકોરના નામે આપવામાં આવશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં 15 નવેમ્બરના રોજ યોજાનારા છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં તમામ સંકાયોના કુલ 662 વિદ્યાર્થીઓને ડીગ્રી અને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આ સમારોહમાં સ્નાતક, સ્નાતકોત્તર, એમ.ફિલ. અને પીએચ.ડી. સહિતના તમામ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ ભાગ લેશે.
ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો.રમાશંકર દુબેએ જણાવ્યું હતું કે, સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારશે અને વિદ્યાર્થીઓને ડીગ્રી મેડલ આપશે. તેમણે જણાવ્યું કે, આ પ્રથમ વખત છે. જ્યારે દીક્ષાંત સમારોહ યુનિવર્સિટીના કુંઢેલા, વડોદરા સ્થિત સ્થાયી કેમ્પસમાં યોજાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં છેલ્લા બે શૈક્ષણિક વર્ષોના વિદ્યાર્થીઓને ડીગ્રી મેડલ આપવામાં આવશે. પ્રો. દુબેએ જણાવ્યું કે, આ અવસરે સ્નાતક વર્ગના 110, સ્નાતકોત્તર વર્ગના 428, એમ.ફિલ.ના 4 અને પીએચ.ડી.ના 120 વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે. દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીના કુલાધિપતિ ડો.હસમુખ અઢિયા કરશે. પરીક્ષા નિયંત્રક દર્શન મારૂએ જણાવ્યું કે, યુનિવર્સિટીના સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં અર્થશાસ્ત્ર, પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન તથા ગુજરાતી વિભાગમાં સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સીયુજી પદક સાથે સાથે પ્રાયોજિત સુવર્ણ પદક પણ આપવામાં આવશે. આ સુવર્ણ પદકો અનુક્રમે વિદ્યાદેવી અગ્રવાલ, શાંતા કરિસિદ્ધપ્પા અને કવિ પિનાકિન ઠાકોરના નામે આપવામાં આવશે. તેમાં 2 વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, સમારોહમાં સ્નાતકના બીએ ચાઈનીઝમાં 32, જર્મન સ્ટડીઝમાં 37 અને 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ઇન સોશિયલ મેનેજમેન્ટમાં 41 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. સાથે સાથે ઉત્તમ પરિણામ ધરાવતા 47 વિદ્યાર્થીઓને સીયુજી પદકથી સન્માનિત કરવામાં આવશે. તેમાં 18 વિદ્યાર્થી અને 29 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. જ્યારે સ્નાતકોત્તરમાં કુલ 20 વિષયોના કુલ 428 વિદ્યાર્થીઓને ઉપાધિઓ મળશે. નોંધનીય છે કે, શિયાળુ સત્ર 2024માં સ્નાતક 51, સ્નાતકોત્તર 227 અને શિયાળુ સત્ર 2025માં સ્નાતક 59 તથા સ્નાતકોત્તર 201 વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપવામાં આવશે.