બ્રિટનના રાજા પંચમ જ્યોર્જ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ૧૯૧૧માં એમનું અભિવાદન કરવા માટે દિલ્હીમાં દરબાર ભરાયો હતો. દરેક દેશી રજવાડાએ બ્રિટીશ સાર્વભૌમત્વના સ્વીકારરૂપે આ દરબારમાં હાજરી આપવાની હતી અને રાજવી તરીકેના એમના ચોક્કસ યુનિફોર્મ (સેરીમોનીયલ ડ્રેસ) પહેરવાનો હતો. મંચ પર જઈ રાજા સામે ત્રણ વખત નીચા નમી કુર્નીશ બજાવવાની હતી અને ત્યાર બાદ રાજા તરફ પીઠ નહીં ફેરવતાં પાછા પગલે પાછા હટી પોતાની જગ્યાએ જવાનું હતું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ આમેય સ્વતંત્ર મિજાજ ધરાવતા રાજવી હતા. પોતે પણ એક રાજા અને તે બ્રિટનના પંચમ જ્યોર્જ સામે આ રીતે કુર્નીશ બજાવે તેમાં સયાજીરાવને પોતાનું સ્વમાન હણાતું લાગ્યું. આમ છતાંય દીવાનની અંગત સલાહ હતી કે દિલ્હી દરબારમાં નહીં જવાથી કામ વગરનું બ્રિટીશ સત્તા સાથે સંઘર્ષ ઊભો થશે એટલે સયાજીરાવ ગયા તો ખરા પણ એમનો વિશિષ્ટ રાજવી પોશાક ન પહેરતાં સાદા પોશાકમાં અને પોતાની સત્તાના પ્રતીક સમી તલવારને બદલે હાથમાં બેટન લઈને તેઓ પંચમ જ્યોર્જ સામે ઉપસ્થિત થયા.
આટલું જેમ પૂરતું ન હોય તે રીતે એમણે માત્ર એક જ વખત ડોકું નીચું નમાવીને એમને સન્માન આપ્યું, જેમાં ગંભીરતાનો અભાવ હતો અને ત્યાર બાદ પંચમ જ્યોર્જ સામે પીઠ ફેરવીને એ પાછા વળી ગયા. આ બનાવને બ્રિટીશ અધિકારીઓએ રાજવી પંચમ જ્યોર્જના અપમાન સમાન ગણ્યો અને તેઓ પોતાના રૉયલ ડ્રેસમાં હાજર ન રહ્યા તે પ્રત્યે પણ અણગમો વ્યક્ત કર્યો. આ બનાવ બાદ બ્રિટીશરોનું વલણ વડોદરા રાજ્ય પ્રત્યે પૂર્વગ્રહિત અને કડવાશપૂર્ણ બન્યું.
૧૨ ડિસેમ્બરની આ ઘટનામાં રાજા પંચમ જ્યોર્જ અને ક્વીન મેરી હાજર હતાં અને ભારતના રાજા તરીકે દિલ્હી દરબારમાં એમનો રાજ્યાભિષેક થયો તે પ્રસંગે પહેલી વાર રાજ્યકર્તા બ્રિટનનાં રાજારાણી દિલ્હી દરબારમાં હાજરી આપવા માટે આવ્યાં. આ માટે આખા દેશમાં ઉજવણીઓ થઈ. પંચમ જ્યોર્જના દીર્ઘાયુ માટેની પ્રાર્થનાઓ સ્કૂલનાં બાળકો પાસે પણ ગવડાવવામાં આવી.
દિલ્હી દરબારના ૧૨ ડિસેમ્બર, ૧૯૧૧ના દિવસે યોજાયેલ રાજ્યારોહણ પ્રસંગે કિંગ જ્યોર્જ પાંચમાને ધારણ કરવા માટે ખાસ ‘ઇમ્પીરીઅલ ક્રાઉન’ થકી પદસ્થાપિત કરવા માટે અને એ રીતે તેમને સમગ્ર ભારતના રાજાનું બિરુદ આપવા માટે જે તાજ બનાવવામાં આવ્યો હતો તેની તે વખતે કિંમત ૬૦,૦૦૦ પાઉન્ડ (જે ૨૦૨૩ની કિંમતે ૭૭ લાખ પાઉન્ડ થાય) ખર્ચીને બનાવવામાં આવ્યો હતો અને તેનું કુલ વજન ૯૨૦ ગ્રામ હતું. એ તાજમાં ૬૧૭૦ હીરા, ૯ માણેક, ૪ રૂબી અને ૪ સેફાયર જેવાં રત્નો જડેલાં હતાં જેમાંથી મુખ્ય ૩૨ કેરેટનું એમરલ્ડ હતું. આટલો મોંઘો તાજ દિલ્હી દરબાર સમયે માથા પર ત્રણ કલાક માટે પહેરીને બેસી રહેતાં પંચમ જ્યોર્જને પરસેવો વળી ગયો હતો અને એ પહેરી રાખવો એમને માટે અસુવિધાજનક હતું.
શ્રી ચં. ચી. મહેતા એમના પુસ્તક ‘બાંધ ગઠરિયા’, ભાગ-૧-૨ (સંયુક્ત આવૃત્તિ)ના પાન ૫૬-૫૭ પર આ આખાય પ્રસંગનું વર્ણન આ પ્રમાણે કરે છે. સરઘસમાં ફરવાની મઝા પહેલવહેલી બીજા દાયકાની શરૂઆતમાં અનુભવી. ‘રક્ષ ભૂપ જ્યોર્જને તું હે જગત્પતિ!’ કોણ જાણે કોઈ વફાદાર અધિકારીએ અંગ્રેજી ગીતનો તરજૂમો બધી નિશાળમાં ફેરવ્યો હતો ને અમે આખા સુરત શહેરનાં નિશાળિયાંઓ હાથમાં વાવટા લઈ ‘રક્ષ ભૂપ’નું ગીત ગાતા ને ‘હિપ હિપ હુરરરે’ કરતાં રાણીના બાગમાં એકઠા થવા સરઘસના આકારમાં જતા હતા. દિલ્હીમાં રાજા ગાદીએ બેસનાર હતો, તેનો અમે ‘કોરોનેશન ડે’ ઉજવતા હતા. થોડી રમતો, પેંડાનું પડીકું, ત્રણ-ચાર દિવસની છુટ્ટી અને ઉપરથી નફામાં કાંસાનો એક ચાંદ!
તે દિવસે સૌથી વધારે આનંદ તો ખરેખરો માસ્તરોનો હતો. નગીનદાસ કાજી અને જરદોસ માસ્તરોએ રાતોરાત બેસીને જાતજાતના નિયમો ઘડી કાઢ્યા હતા. કેટલા વાગ્યે હાજર થવું, કેમ ઊભા રહેવું, કેમ ચાલવું, શું બોલવું, કેમ સલામ કરવી, રસ્તે કેમ વર્તવું વગેરેની જાતજાતની નોંધો એમણે તૈયાર કરી હતી. રસ્તે હારમાં જરા પણ ભંગાણ પડે યા ગરબડ થાય કે માસ્તરસાહેબનું પિત્ત ઊછળી આવતું. વફાદારીની એવી ધગશ પછી ફરીથી ન્યાળવાનો પ્રસંગ જિંદગીમાં આવ્યો જ નહિ.
પણ એ પ્રસંગ ઊકલી જતાં, મામાજી ઓટલે બેસી સોની મહાજનને કંઈ કંઈ નવાજૂની સંભળાવતા. એમાંની એક – અનેક વાર એમણે કહેલી, તે તો હજી યાદ છે. ‘જેકીશનભાઈ! ગમે તેમ કહો, પણ આપણો ગાયકવાડ તે ગાયકવાડ. બસ, સલામ કરીને પૂંઠ કરીને ચાલવા માંડ્યું! સયાજીરાવ મહારાજ એટલે શું? એ કંઈ એમ રાજાને અદબ કરી પાછે પગે ચાલે નહિ. અસલનું ગરમ લોહી, તે તપી આવ્યું અને પેલા સામા જોતાં જ રહી ગયા. એ તો શું કરે, અંગ્રેજ સરકાર રાજ ઝૂંટવી લે તેમાં; નહિ તો એ દરબારમાં હાજર જ નહિ થાત. મરદબચ્ચો! અસલ મરાઠો તે કંઈ એમ નમે?’
‘પણ છોટાભાઈ, આ સાલો અંગ્રેજ છે બહુ ખરાબ. જો; હવે સતાવવાનો.’ ‘તે બધાને સયાજીરાવ પહોંચી વળશે. શું કરે, છોકરાઓને ગાદીવારસાનું હજી પત્યું નથી, નહિ તો એ તો સામી ખિલાવી દેત.’ પછી તો જાતજાતનાં ગપ્પાં ચાલતાં. અંગ્રેજ સરકારે એની પાસે ખુલાસો માગ્યો; પતાવટ માટે કોઈ વચ્ચે પડેલું; અને એવી અનેક અફવાઓ. પણ તે દિવસથી બધામાં શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ સરકાર માટે અનહદ માન પેદા થયેલું. રાજા તો એ જ. તે દિવસે દશેરાની સવારીમાં જે અદાથી સયાજીરાવ મહારાજને જોયેલા એ મરાઠો એમ સહેલાઈથી નમતું જોખે, એ માની જ શકાતું નહોતું.
૧૯૧૧માં રાજાઓને આવી નાલેશીભરી રીતે નમાવવાની બેહૂદી મગરૂરી બ્રિટિશ અમલદારોએ ન કરી હોત તો ત્યાર પછી છત્રીસે વર્ષે તખ્ત છોડવા વખત આવ્યો તે કદાચ થોડો મોડો આવત. એવો દબદબાભર્યો એ પ્રકારનો દરબાર દિલ્હીમાં એ છેલ્લો જ ભરાયો અને એ દરબારમાં તખ્ત સામે એક ઠોકરે સર સયાજીરાવે જાગ્રત કરેલી સ્વમાનની ભાવના હિન્દીવાનોના હૃદયમાં ઠીક પ્રમાણમાં સોંસરી પેસી ગઈ, એટલું જ નહિ પણ ફરીથી એવો દરબાર ભરવાની બ્રિટિશ સરકારની હિંમત પણ ખૂટી ગઈ.’
જો કે આગળ જતાં બ્રિટીશ સરકારે આ આખાય પ્રસંગને ભૂલી જઈને સને ૧૯૧૯માં સર સયાજીરાવ ગાયકવાડને GCIEનો ઇલ્કાબ આપેલો. કહેવાનું તાત્પર્ય એ છે કે, ગભરાઈ-ગભરાઈને જીવવાથી કોઈ ફાયદો નથી. સયાજીરાવે વ્યવહાર જાળવ્યો પણ સ્વમાન ન ગુમાવ્યું એનો આ દાખલો ઇતિહાસના પાને અમર રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.