Editorial

બેંક, વીમા અને મ્યુ. ફંડમાં રહેલા બિનવારસી નાણાં મુદ્દે સરકાર પણ ગંભીર બને તે જરૂરી

એક તરફ આખી દુનિયા પૈસા માટે દોડાદોડી કરે છે તો બીજી તરફ એવી પણ સ્થિતિ છે કે 80 હજાર કરોડ રૂપિયાનું હાલમાં કોઈ જ ધણીધોરી નથી! સરકાર દ્વારા આ માટે અનેક વખત જાહેરાતો કરવામાં આવી પરંતુ આ નાણાં લેવા માટે કોઈ આવતું નથી. ભારતમાં બેંકો, વીમા કંપની અને મ્યુચ્યુઅલ ફંડોમાં આ રકમ બિનવારસી પડી છે. આ રકમ જેની છે તેના અસલી દાવેદારોને બની શકે છે કે જાણ નથી અને હાલમાં આ નાણાં જેની પાસે છે તેઓ વાપરી રહ્યા છે.

જે તે સમયે જે તે વ્યક્તિ દ્વારા આ નાણાંનું રોકાણ કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ નાણાંના કોઈજ વારસ નથી. તાજેતરમાં સેબીરજિસ્ટર્ડ રોકાણ સલાહકાર અભિષેક કુમારે સોશિયલ મીડિયા પર આ આંકડો શેર કર્યો ત્યારે તમામ ચોંક્યા હતા. આ નાણાં જેમના છે તેમના પરિવારોને ખબર જ નથી કે તેમના પરિવારના સભ્યોના નામે બેંક ખાતા, વીમા પોલિસી તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં તેમના નાણાં જમા છે. એવું માનવામાં આવે છે કે કોમ્યુનિકેશનના અભાવે આ નાણાં હાલમાં જમા બોલાઈ રહ્યા છે.

હાલમાં તો દરેક ખાતાઓમાં નોમિનીનું નામ ફરજિયાતપણે સમાવવામાં આવે છે પરંતુ ભૂતકાળમાં આવી સિસ્ટમ નહોતી. આ કારણે જે તે વ્યક્તિએ આ નાણાં જમા કરાવ્યા બાદ જ્યારે તેઓ મૃત્યુ પામે કે પછી તેઓ પોતાના ખાતાઓ ઓપરેટ કરવા માટે સક્ષમ નહીં હોય ત્યારે આ નાણાં લાવારીસ થઈ જાય છે. બેદરકારીને કારણે આ નાણાં અટવાઈ રહ્યા છે. એક મહિલાએ જ્યારે પોતાના પતિના રોકાણનો રેકોર્ડ તૈયાર કર્યો ત્યારે તેને ખબર પડી કે તેના મ્યુચ્યુઅલ ફંડમાં 15 લાખ રૂપિયા છે. અન્ય પરિવારની એવી હાલત થઈ હતી કે તેમના સભ્યના બેંક ખાતામાં નોમિનીનું નામ નહોતું. જેને કારણે આ સભ્યના મોત બાદ તેમના પરિવારને આ બેંક ખાતામાંથી નાણાં લેવામાં બે વર્ષ લાગી ગયા હતા.

આ જ કારણે દરેક વ્યક્તિએ પોતાના બેંક ખાતાથી માંડીને જ્યાં જ્યાં પણ નાણાંનું રોકાણ હોય કે પછી નાણાંકીય બાબત હોય ત્યાં નોમિનીનું નામ ખાસ નોંધાવવું જોઈએ. હાલના સમયમાં લોકો દ્વારા વસિયતનામું બનાવવામાં આવે છે પરંતુ આ વસિયતનામું પણ ત્યારે જ માન્ય ગણાય કે જ્યારે તે કાનુની પ્રક્રિયા બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. વસિયતનામામાં તમામ પ્રકારની વિગતો સમાવવી જોઈએ. વસિયતનામાં જો તમામ વિગતો સ્પષ્ટતા સાથે લખવામાં આવી હોય તો જ તેનો અર્થ સરે છે. નહીં તો વસિયતનામાનો કોઈ જ અર્થ રહેતો નથી.

હવેનો સમય એવો છે કે ઈમરજન્સી ક્યારેય પણ આવી શકે છે. આ સંજોગોમાં નાણાં બિનવારસી નહીં પડે રહે તે જોવાની જવાબદારી જે તે રોકાણકારની પણ છે. જોકે, સાથે સાથે આ બિનવારસી નાણાં બાબતે સરકારે પણ થોડીક જવાબદારી લેવાની જરૂરીયાત છે. સરકાર જે તે નામની વિગતો મેળવીને તેની તપાસ કરીને જે તે વ્યક્તિના પરિવારને જાણ કરે તો આ નાણાં જે તે વ્યક્તિના પરિવારને આપી શકાય છે. સરકાર આ મુદ્દે હાથ જોડીને બેસી રહે તે ખોટું છે. જે તે વ્યક્તિએ ભલે પોતાના નોમિનીનું નામ આપ્યું નહીં હોય પરંતુ સરકારની એ ફરજ બને છે કે તેના મુળ માલિકને આ નાણાં પહોંચાડવામં આવે. જો સરકાર ઈનિશિએટિવ લેશે તો જ તેનો ઉકેલ આવશે.

Most Popular

To Top