બોલિવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડતાં ગઈ કાલે તા.11 નવેમ્બર મંગળવારે મોડી રાત્રે તેમને મુંબઈની ક્રિટિકેર એશિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 61 વર્ષીય અભિનેતા મંગળવારે રાત્રે પોતાના ઘરમાં અચાનક બેહોશ થઈ ગયા. જેના કારણે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને તેઓ ડોક્ટરોનાં કડક નિરીક્ષણ હેઠળ છે.
માહિતી મુજબ મંગળવારે સાંજે લગભગ 8.30 વાગ્યે ગોવિંદાને અચાનક ચક્કર આવી જતાં તેઓ બેહોશ થઈ ગયા હતા. તરત જ ઘરનાં સભ્યોએ ડૉક્ટરની સલાહ લીધી અને તેમને કેટલીક દવાઓ આપવામાં આવી હતી. શરૂઆતમાં તેમની તબિયતમાં થોડી સુધારાની નોંધ થઈ હતી પરંતુ રાત્રે 12.30 વાગ્યે ફરીથી અસ્વસ્થતા અનુભવતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
રાત્રે 1 વાગ્યે તેમને ક્રિટિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમના ઘણા મેડિકલ ટેસ્ટ્સ કર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ તેમની સ્થિતિ સુધરતી જઈ રહી છે અને ચિંતા કરવાની જરૂર નથી.
હાલ ગોવિંદાને ડોક્ટરોનાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમના સ્વાસ્થ્ય અંગેની સત્તાવાર માહિતી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે અભિનેતાની હાલની સ્થિતિ સ્થિર છે અને જો સુધારો ચાલુ રહેશે તો જલદી જ તેમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવી શકે છે.
રસપ્રદ બાબત એ છે કે તાજેતરમાં જ ગોવિંદાએ ધર્મેન્દ્રની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જઈને તેમની મુલાકાત લીધી હતી. ધર્મેન્દ્રની બગડતી તબિયતને લઈ ગોવિંદા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. હવે ગોવિંદાના અચાનક બિમાર પડવાના સમાચારથી તેમના ચાહકો વધુ ચિંતિત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ધ્યાનમાં લેવાનું છે કે આ પહેલી વાર નથી જ્યારે ગોવિંદાની તબિયત ખરાબ થઈ હોય. થોડા સમય પહેલા પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે એક અકસ્માતમાં તેમની લાઇસન્સવાળી પિસ્તોલથી ગોળી વાગી હતી.
તે સમયે ગોવિંદા તેમના મુંબઈના ઘરમાં રિવોલ્વર રાખી રહ્યા હતા ત્યારે તે હાથમાંથી સરકી ગઈ અને ગોળી તેમના ડાબા ઘૂંટણમાં વાગી હતી. ત્યારબાદ સર્જરી કરીને ગોળી કાઢવામાં આવી અને તેઓ પૂરેપૂરા સ્વસ્થ થયા હતા.
હાલમાં ગોવિંદાની તબિયત અંગે કોઈ ગંભીર ચિંતા નથી પરંતુ ચાહકો તેમની ઝડપી સાજા થવાની આશા રાખી રહ્યા છે.